સુચારુ વહીવટ ભ્રષ્ટાચારના કારણે આજે મજાક બની ગયો છે : ગુજરાત વડી અદાલત

1193

હજુ કાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસુલ અને પોલીસતંત્ર ભ્રષ્ટ હોવાનો જાહેરમાં એકરાર કર્યો હોવાના ગણતરીના કલાકો જ વીત્યા છે ત્યારે આજે ગુજરાત વડી અદાલતે ભ્રષ્ટાચારની સમાજજીવન ઉપર થતી અસરો ઉપર ભારે વ્યથિત થતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારથી સુચારુ વહીવટની વિભાવના જાણે મજાક રૂપ બની જાય છે !

ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાએ અવલોકન કર્યું હતું કે, જો વહીવટ આજે મજાક, હાસ્યાસ્પદ અને નિમ્નસ્તરનો બની ગયો છે તો તેની પાછળનું કારણ છે, ભ્રષ્ટાચાર ! વિકાસ માટે ભ્રષ્ટાચાર આડખીલીરૂપ છે, કહીયે કે વિકાસ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ સમસ્યા વધુ ઘાતક છે, જેણે માનવજીવનમાંથી વિકાસનું લગભગ અપહરણ જ કરી લીધું છે.

રૂ.૪૦૦ કરોડના મત્સ્ય કૌભાંડ (ફિશરીઝ સ્કેમ) મામલે રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીના કેસમાં ફાઈલ કરવામાં આવેલા ૨૦૦ પાનના તપાસ અહેવાલ ઉપર ટિપ્પણી કરતા જસ્ટિસ પારડીવાલાએ ઉક્ત નોંધ ગંભીરતાથી કરી હતી અને નોંધ્યું હતું કે આ બને સામે પ્રથમદર્શીય કેસ બને છે અને જરૂરી ટ્રાયલ માટે તેમણે ૧૫ દિવસની અંદર ગાંધીનગરની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ હાજર થવું.  ભ્રષ્ટાચાર સમાજ ઉપર થતી અસરો અંગે વધુ અવલોકન કરતા જસ્ટિસ પારડીવાળા કહ્યું હતું કે, જો કોઈ એક બાબત જે આપણા સમાજના વિકાસને રૂંધતી હોય તો તે નિઃશંકપણે ભ્રષ્ટાચાર છે.

ખરા અર્થમાં આ સમસ્યા માનવજાત માટે મોટા પડકારરૂપ છે. આ સમસ્યા જ અન્ય કેટલીય માનવીય સમસ્યાઓની મૂળરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટલ ઉદ્યોગ સાથે સાંકળયેલી એક વ્યક્તિએ વર્ષ-૨૦૦૮માં માછીમારી માટે તળાવોનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ સમયે તેને જાણવા મળ્યું હતું કે તે વર્ષે તે ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના જ આપી દેવામાં આવ્યો હતો અને આ ગેરકાયદે અપાયેલા કોન્ટ્રાક્ટની કિંમત કાયદેસર અપાતા કોન્ટ્રાક્ટ થી ઘણી ઓછી હતી.

Previous articleગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો
Next articleફરી ગુજરાતની રાજધાની ઠુંઠવાઈ, ગાંધીનગર ૬.૮ સાથે સૌથી ઠંડુગાર