ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. પ્રદેશના કેટલાક ભાગોમાં પારો હજુ પણ ઘટવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન કોલ્ડવેવના કારણે જનજીવનને અસર થવાની શક્યતા છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં લદ્દાખ પ્રદેશમાં તાપમાન ખૂબ નીચે પહોંચી ગયું છે. સૌથી વધુ ઠંડીનો અનુભવ લદ્દાખ પ્રદેશમાં લેહ અને કારગીલમાં રહ્યો છે. લેહમાં તાપમાન માઈનસ ૧૭.૫ છે જ્યારે કારગીલમાં માઈનસ ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પંજાબમાં આદમપુરમાં લઘુત્તમ તાપમાન માઈન ૧.૭ ડિગ્રી રહ્યું છે. હરિયાણાના હિસ્સાર ખાતે લઘુત્તમ તાપમાન ૦.૩ ડિગ્રી રહ્યું છે. જે સામાન્ય કરતા છ ડિગ્રી ઓછું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના મેદાની ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનિય ઘટાડો થતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાટનગર દિલ્લીમાં ધુમ્મસની ચાદર છવાઈ જવાની સાથે સાથે લઘુત્તમ તાપમાન પણ ઘટી ગયું છે. દિલ્હીમાં ૨.૬ ડિગ્રી સુધી તાપમાન ઘટી ગયું છે. આવનાર દિવસોમાં ધુમ્મસ અને ઠંડીના લીધે લોકોને વધુ સાવધાન રહેવાની ફરજ પડી શકે છે.
દિલ્હીમાં સ્મોગે પણ લોકોની મુશ્કેલી વધારી છે. દિલ્હીમાં તો આજે સવારે ઠંડીએ નવો રેકોર્ડ કર્યો હતો. કારણ કે પારો ગગડીને ૨.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ રહી છે. જીવલેણ સ્મોગના કારણે પણ હાલત કફોડી બનેલી છે.બીજી બાજુ ઉત્તરભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે. હિમવર્ષાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. હાલમાં કોઇ રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હિમાચલમાં હિમવર્ષાના લીધે તેની સીધી અસર થઇ છે. અનેક જગ્યાએ ઠંડીના રેકોર્ડ તુટી ગયા છે. શ્રીનગરમાં પાઇપલાઈન પર આગ લગાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લડાખ ક્ષેત્રમાં હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે. લેહ અને કારગિલમાં તાપમાન રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયું છે. પહેલગામમાં તાપમાન માઇનસ ૮.૩ ડિગ્રી અને ગુલમર્ગમાં માઇનસ નવ ડિગ્રી તાપમાન રહ્યું છે. લડાખમાં પણ આવી જ હાલત બનેલી છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મેદાની ભાગોમાં ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ટ્રેન અને વિમાની સેવાને પણ માઠી અસર થઇ છે. આ સ્થિતિ હાલમાં અકબંધ રહી શકે છે. દિલ્હીમાં પણ ઠંડીથી રાહત નહીં મળે.
દિલ્હીમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં માઇનસમાં તાપમાન છે. શ્રીનગરની લોકપ્રિય દાલ સરોવરમાં બરફ જામી જતા ઉત્તેજના રહી છે. બીજી બાજુ શ્રીનગર અને અન્ય શહેરોમાં આવાસની યોજનાઓમાં પાણીને લઇનેતકલીફ થઇ રહી છે. હાલમાં સ્થિતીમાં સુધારો નહીં થાય તેવી વકી છે.