પાલીતાણા ખાતે વડાપ્રધાનની સભામાં માનગઢ હત્યાકાંડ બાબતે થયેલ ઉશ્કેરણી જનક ભાષણના પગલે પાટીદારો તથા ક્ષત્રિયો દ્વારા નારાજ થઈ આવેદનપત્ર અપાયું હતું. વડાપ્રધાન આ મુદ્દે માફી માંગે તેવી બન્ને સમાજ દ્વારા માંગણી કરાઈ છે. હાલમાં ચૂંટણીના માહોલમાં તાલુકા કક્ષાએ દિગ્ગજોની સભાઓ જાણે સામાન્ય થઈ ગઈ છે. વળી આ સભામાં પણ મતોના ધ્રુવીકરણ માટે ક્યારેક સચોટ તો ક્યારે બફાટ પણ દિગ્ગજો મતો મેળવવાની લહાયમાં કરી દેતા હોય છે.
જ્યારે ગત દિવસોમાં પાલીતાણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રચાર અર્થે આવીને સભાનું સંબોધન કરતી વેળાઅ આજથી ૩૩ વર્ષ અગાઉ ગારિયાધાર તાલુકામાં માનગઢ ખાતે જે હત્યાકાંડ સર્જાયેલ તે હત્યાકાંડનું પૂનરાવર્તન ન થાય તેવા હેતુથી ભાજપને સમર્થન આપવાની આડકતરી રીતે રજૂઆત કરેલ. જો કે આવા ભાષણ બાદ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ ગારિયાધાર ખફા થઈને સોશ્યલ મિડીયામાં તો આ મુદ્દે ઝાટકણી કાઢીને આ ભાષણ માત્ર પાટીદારોને રીઝવવા તેમજ મતોનું ધ્રુવીકરણ કરવા હેતુ જ બોલવામાં આવ્યું હોવાની ચર્ચાઓ થયેલ. ઉપરાંત જો આ બન્ને સમાજના આગેવાનોએ આ ભાષણ માત્ર ચૂંટણીલક્ષી હોય અને બન્ને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય જેનો લાભ ભાજપને મળે તેવું પણ કેટલાક રાજકિય તજજ્ઞો દ્વારા જણાવાયેલ.
આ ઘટનાના પગલે આજરોજ પાટીદાર સમાજ તથા ક્ષત્રિય સમાજ દ્વારા સાથે મળીને મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપીને વડાપ્રધાન આવી ગંભીર ભુલની માફી માંગે તેવી માંગણી કરવામાં આવેલ અને સાથોસાથ જણાવેલ કે જો વડાપ્રધાન માફી નહીં માંગે તો આગામી દિવસોમાં વડાપ્રધાનના દરેક કાર્યક્રમોનો વિરોધ સમગ્ર સમાજ દ્વારા કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.