કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અરબી સમુદ્રના તટે બિરાજતા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન શ્રી સોમનાથ દાદા સમક્ષ શીશ ઝૂકાવી આસ્થાપૂર્વક વંદના કરી હતી.
પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ દાદાની રાષ્ટ્રપતિ સાથે તેમના પરિવારજનોએ પણ પૂજા, અર્ચના,અભિષેક કરી સૌના કલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે સોમનાથ દાદાની મધ્યાહન આરતીનો પણ શ્રધ્ધાપૂર્વક લાભ લીધો હતો.
સોમનાથ તીર્થક્ષેત્રના વિદ્વાન બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ગાન કરી તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. સોમનાથ મંદિરે જિલ્લા વિકાસ અધિકારી અને સોમનાથ ટ્રસ્ટના સલાહકાર યશોધર ભટેૃ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતુ.
દેવાધિદેવ સોમનાથ મહાદેવ કૈલાશપતિને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાપૂર્વક વંદના કરી ભાવવિભોર થયા હતા. પૂજારીએ સ્તુતિ મંત્રોનું મંગલમય ગાન કરી પૂજા-અર્ચના કરાવી હતી. તેમણે શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી દેશ-વિશ્વના કલ્યાણ માટે કામના કરી હતી.
આચાર્ય ધનંજયભાઇ દવેએ પૂજાવિધિ કરાવી હતી. આ અવસરે દેશના પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિના ધર્મપત્નિ તેમજ તેમના પરિવારજનો સાથે જોડાયા હતા.