ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા જસદણ પેટાચૂંટણીનો જંગ જીત્યા બાદ આજે છઠ્ઠી વખતે મંગળવારે ૧૨ઃ૩૯ કલાકે ધારાસભ્ય તરીકેનાં શપથ લીધા છે. આ પ્રસંગે તેમણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. કુંવરજી બાવળિયાએ મીડિયા સાથની વાતચીત કરતા કહ્યું કે, જસદણ વિધાનસભા મતવિસ્તારમાંથી હું આ વખતે છઠ્ઠી વખત ચૂંટાયો છું. તે વિસ્તારનાં મતદાતાઓ જે રીતે વર્ષોથી મારા પર વિશ્વાસ રાખીને ચાલ્યા છે તેમ જ આ વખતે પણ મારી પર વિશ્વાસ કર્યો છે. મેં પરિવર્તન કર્યું હોવા છતાંપણ તે વિસ્તારના મતદાતાઓએ મને મત આપ્યાં અને સારી બહુમતીથી વિજય કરાવ્યાં છે. આ વખતે અમારી જીત ભાજપનું સંગઠન, કાર્યકર્તાઓનાં સહિયારા પ્રયાસને આભારી છે. ત્યાંના મતદારોની આ જીત છે. તેમણે તેવું પણ કહ્યું કે, જે એજન્ડા સાથે અમે અનેક વિસ્તારોમાં ફર્યા છે તે મુદ્દા જલ્દીમાં જલ્દી પુરા કરવાનો મારો હેતુ છે. વર્ષોથી નાના મોટા પડતર પ્રશ્નો જેવા કે પીવાનું પાણી, સિંચાઇને લગતા પ્રશ્નો, વિદ્યાર્થીઓને સમસ્યા માટે કામ કરીને એજન્ડા પૂરા કરવાનાં છે. મતદારોએ અમારી પર વિશ્વાસ રાખ્યો છે તે જાળવી રાખવાનો છે. ઉપરાંત પાયાનાં પ્રશ્નો પણ રાજ્ય સરકારની મદદથી હલ કરવામાં આવશે.
કોંગ્રેસ અંગે બોલતા જણાવ્યું કે, ચૂંટણી વખતે કેટલાક કોંગ્રેસનાં ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ મારી સાથે સંપર્કમાં છે.
તેઓ ત્યાં ગૂંગળામળ અનુભવે છે. તે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા તેઓ પણ કંઇ નવાજૂની કરવાનાં મૂડમાં છે.
પીએમ મોદી સાથેની તેમની મુલાકાત અંગે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, હું ચૂંટણી પછી માનનીય વડાપ્રધાન અને અમિત શાહને મળી શક્યો ન હતો. એટલે તે મુલાકાત તો માત્ર શુભેચ્છા મુલાકાત હતી.
મહત્વનું છે કે, ’ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ૯૦૨૬૮ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા. એટલે કે ભાજપના કુંવરજીની ૧૯૯૮૫ મતથી જીત થઇ હતી.