મોખરાની અભિનેત્રી રાની મુખરજીએ કહ્યું હતું કે ૨૦૧૮નું વર્ષ મી ટુ આંદોલનનું વર્ષ ગણાવાય છે. મારે અભિનેત્રીઓને એટલુંજ કહેવું છે કે પરિસ્થિતિનો સામનો કરતાં શીખી જાવ. નૈતિક હિંમત કેળવો પછી જુઓ, તમારે મી ટુ આંદોલનમાં સહભાગી નહીં થવું પડે.
એક ટીવી શોમાં રાની દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ, અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટ સાથે રજૂ થઇ હતી. અનુષ્કાએ કહ્યું કે હવે મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો ડર જોવા મળે છે. હકીકતમાં ઘરની જેમ કાર્યના સ્થળે પણ તમે સુરક્ષિતતા અનુભવો એ જરૃરી બની રહે છે…એવું ન બને તો એ બહુ ખરાબ કહેવાય.
એના જવાબમાં રાનીએ કહ્યું કે તમે પોતે એટલા તાકાતવાન અને નૈતિક હિંમત ધરાવતા કેમ ન બનો કે કોઇ તમારી સાથે અઘટિત છૂટછાટ લેતાં પહેલાં વિચાર કરે… આપણે પોતે નબળા હોઇએ તો કોઇ ગેરલાભ લેવાની હિંમત કરે. પોતાની સુરક્ષા પોતે જાતે કરે એટલી હિંમત દરેક મહિલાએ કેળવવી જોઇએ.
જો કે દીપિકા પાદુકોણ આ અભિપ્રાય સાથે સંમત નહોતી. એણે કહ્યું કે દરેક મહિલા આવા ડીએનએ સાથે જન્મ લેતી નથી. એટલે અન્ય કોઇ વૈકલ્પિક ઉપાય પણ થવો ઘટે છે.