લગભગ ૪૫ વર્ષની બે મહિલાઓએ બુધવારે ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો અને પૂજા-અર્ચના કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર મનાઈ ખતમ કર્યા બાદ આ પહેલીવાર છે જ્યારે આ ઉંમરની મહિલાઓએ પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મહિલાઓની એન્ટ્રી બાદ પૂજારીઓએ વિરોધ વ્યક્ત કરતાં શુદ્ધિકરણ માટે મંદિરના કપાટ બંધ કરી દીધા હતા. શુદ્ધિકરણની ધાર્મિક પ્રક્રિયા બાદ કપાટ ફરી ખોલવામાં આવ્યા છે.મલ્લાપુરમ નિવાસી કનકદુર્ગા (૪૬) અને કોઝિકોડ નિવાસી બિંદુએ જણાવ્યું કે તેઓએ અડધી રાતે અયપ્પા મંદિરનું ચઢાણ શરૂ કર્યું અને સવારે ૩.૪૫ વાગ્યે મંદિરના દર્શન કર્યા. બંનેએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ દરમિયાન તેમની સાથે સાદા યૂનિફોર્મમાં અનેક પોલીસકર્મી હતા.
કનકદુર્ગાએ જણાવ્યું કે, અમે રાતે ૧૨ વાગ્યે પોલીસ સુરક્ષા વગર પંબા પહોંચ્યા. ત્યારબાદ અમે સન્નીધનમ પહોંચ્યા અને પવિત્ર પગથિયાઓની ચઢાઈ શરૂ કરી. અમને કોઈ જ પ્રકારના વિરોધનો સામનો નથી કરવો પડ્યો. શ્રદ્ધાળુ ત્યાં હાજર હતા પરંતુ કોઈએ પણ અમને સવાલ નથી પૂછ્યો અને ન તો અમને રોકવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી ચૂકી છે પરંતુ શ્રદ્ધાળુઓના વિરોધના કારણે હજુ સુધી કોઈ પણ મહિલા અંદર જઈ નથી શકી. બીજીબાજુ કેરળના સીએમ પી.વિજયને કહ્યું કે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં એન્ટ્રી કરી. તેમણે કહ્યું કે સરકારે આદેશ રજૂ કર્યો છે કે જે પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા માંગે છે, પોલીસ તેમને સુરક્ષા પૂરી પાડશે. એક દિવસ પહેલાં જ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની માંગણીને લઇ મંગળવારના રોજ કેરળમાં હ્યુમન ચેન બનાવનાર મહિલાઓ પર ભાજપ-આરએસએસના કેટલાંક કથિત કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો.
પોલીસે કહ્યું કે આ લોકોએ મહિલાઓ અને પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો. તેના લીધે આ વિસ્તારમાં તણાવની સ્થિતિ બની ગઇ. આ દરમ્યાન આ લોકોએ અહીં હાજર મીડિયા કર્મીઓ પર પણ પથ્થર ફેંકયા. ત્યારબાદ પોલીસે બળ પ્રયોગ કરીને તેમને સ્થળ પરથી જેમ-તેમ કરીને ભગાડ્યા.
આપને જણાવી દઇએ કે માકરાજોદુવિલૈકે (સ્થાનિક પૂજા) ૧૪મી જાન્યુઆરીના રોજ કરાશે અને ત્યારબાદ ૨૦ જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે મંદિરને બંધ કરી દેવાશે.