સુરતમાં વિજય રૂપાણીનો રોડ શો યોજાયો : હાર્દિક પટેલ પર પ્રહાર

704
guj4122017-9.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સુરતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મોટી ફોજ ઉતરી પડી છે. સુરત ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ચુક્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રોડ શો યોજ્યો હતો જેમાં મોટી  સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રૂપાણી સવારે ખુલ્લી જીપમાં રોડ શોમાં નિકળ્યા હતા. લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રૂપાણીએ આ વખતે કહ્યું હતું કે, ભાજપ ૧૫૦થી પણ વધુ બેઠકો પાર કરી જશે અને શાનદાર જીત મેળવશે. પાટીદાર આંદોલન સમિતિના લીડર હાર્દિક પટેલ ઉપર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું હતું કે, હાર્દિક હવે ખુલ્લો પડી ગયો છે. તેને અનામતમાં કોઇ રસ નથી. પાટીદાર સમાજના લોકો પણ હાર્દિકને સારીરીતે ઓળખી ગયા છે. પાટીદાર સમાજના લોકો ભાજપની સાથે જ રહેશે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, રોડ શોમાં અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મજુરા વિધાનસભામાં રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન અલગ અલગ જગ્યા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી રોડ શોની શરૂઆત થઇ હતી. ત્યારબાદ રૂપાણીનો રોડ શો મહેશ્વરી ભવન, બેંક ઓફ બરોડા સર્કલ થઇને કેનાલ રોડથી ભટાર રોડ તરફ ગયો હતો. ભટાર રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે રોડ શોની પૂર્ણાહૂતિ થઇ હતી. રૂપાણીએ કહ્યું હતું કે, સુરતના લોકો ભાજપને પસંદ કરે છે.
હાર્દિક પટેલ હવે ખુલ્લા પડી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, અનામતને લઇને ગેરમાર્ગે દોરવાનું કામ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી બાજુ આવતીકાલે ભાજપના વરિષ્ઠ નેતાઓ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. અમિત શાહ ચાર જાહેસભાઓને સંબોધન કરનાર છે જેમાં દક્ષિણ ગુજરાત અને કચ્છની બેઠકોમાં ચૂંટણી પ્રચાર કરશે. બારડોલી, જલાલપોર, ગણદેવી ખાતે સંબોધન કરનાર છે. પુરુષોત્તમ રૂપાલા, પરેશ રાવલ, રૂપાણી પણ જુદા જુદા રોડ શો કરનાર છે. આવતીકાલે વિજય રૂપાણી અમદાવાદ શહેરમાં રોડ શો કરશે જેમાં નરોડા વિધાનસભા અને દાણીલીમડા વિધાનસભાનો સમાવેશ થાય છે. પરેશ રાવલ પણ સભા કરનાર છે. સ્મૃતિ ઇરાની પણ આજે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા.

Previous articleહાર્દિક પટેલના રોડ શોમાં જનમેદનીથી ચિંતાનું મોજુ
Next articleઓખી’ ચક્રવાતની સ્થિતિમાં તંત્ર એલર્ટ : મુખ્ય મંત્રી દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ