બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને લેખક કાદર ખાનના મૃત્યુથી આખું બોલિવૂડ આઘાતમાં છે. બુધવારે બપોરે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. કાદર ખાનનું ૧ જાન્યુઆરીએ નિધન થયું હતું અને તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. કાદર ખાન કેનેડાની એક હોસ્પિટલમાં દાખલ હતા. કાદર ખાનનો દીકરો સરફરાઝ અને વહુ કેનેડામાં રહે છે અને તેઓ કેટલાક વર્ષોથી કેનેડા શિફ્ટ થઈ ગયા હતા.
કાદર ખાન ગંભીર રીતે બીમાર થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ૮૧ વર્ષના હતા. તબીબોએ કહ્યું હતું કે, તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર (પીએસપી)ના શિકાર થયા હતા. આ કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કર્યું હતું. હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે થયેલી વાતચીતમાં કાદર ખાનના દીકરા સરફરાજે જણાવ્યું હતું કે, પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડરને કારણે કાદર ખાનની મગજથી થતી તેમની તમામ હરકતો પર પ્રભાવ પડી રહ્યો હતો. આ સાથે જ તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે તેમનામાં નિમોનિયાના લક્ષણ પણ દેખાયા હતા. છેલ્લાં ૫-૬ દિવસથી તેઓ કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.