સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરી હતી. પ્રથમ દિવસે જ ભારતે ચાર વિકેટે ૩૦૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ વર્તમાન શ્રેણીમાં શાનદાર ફોર્મ જાળવી રાખીને વધુ એક સદી ફટકારી હતી. આજે રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા ૧૩૦ અને વિહારી ૩૯ રન સાથે રમતમાં હતા. પુજારાએ ૨૫૦ બોલમાં ૧૬ ચોગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે ૭૭ રન કર્યા હતા. આ પહેલાની ટેસ્ટ મેચમાં પ્રવેશ મેળવનાર મયંક અગ્રવાલે વધુ એક અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલ સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૧૨ બોલમાં ૭૭ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન કોહલી માત્ર ૨૩ રન કરી શક્યો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. દિવસના અંતે ભારતે મજબૂત સ્થિતિ પ્રથમ દિવસે જ મેળવી લીધી હતી. ભારતે તેની પ્રથમ વિકેટ ૧૦ રને ગુમાવી હતી પરંતુ ત્યારબાદ મયંક અગ્રવાલ અને પુજારાએ ૧૨૬ રન સુધી સ્કોરને લઇ જવામાં સફળ રહ્યા હતા. મયંક અગ્રવાલે પણ ઝડપી બેટિંગ કરી હતી. રહાણે અને રાહુલનો ખરાબ ફોર્મ યથાવતરીતે જારી રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ પહેલાથી જ ૨-૧ની લીડ ધરાવે છે અને ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે. ભારતે આ પહેલા રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં ઇતિહાસ સર્જીને રેકોર્ડ જીત મેળવી હતી.