નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન

926

નાયબ મુખ્ય મંત્રી નિતીન ભાઇ પટેલે  જણાવ્યું છે કે,  રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવ્યો હતો.

વર્ષ ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.

નિતીનભાઇ પટેલે આજે મહેસાણા જિલ્લાના જિલ્લા કક્ષાના ૧૧ મા ગરીબ કલ્યાણ મેળાનું દિપ પ્રગટાવી ઉદ્‌દ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, આ મેળામા સાધન સહાય રૂપે ૪૯૫૪ લાભાર્થીઓને ચેક, કીટ, તેમજ સાધનો રૂપે અંદાજીત રૂ ૬૯૦.૨૯ લાખની સહાય હાથો હાથ પહોંચાડવામા  આવી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરીક સ્વમાનભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકારનો રહેલો છે.

રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે. આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે.

આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડી તા.૩-૪-પ જાન્યુઆરી-ર૦૧૯ એમ ત્રણ દિવસો દરમ્યાન રાજ્યમાં યોજાશે. આ ૧૧મી કડીમાં અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓ-દરિદ્રનારાયણને રૂ. ૨૩૦૭ કરોડના સાધન-સહાયનું રાજ્ય વ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રાંત, તાલુકા, નગર પાલિકાઓ તથા મહાનગર પાલિકાઓમાં પણ આ મેળાઓ યોજવામાં આવશે.

વિધાનસભા દંડક ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ગરીબ કલ્યાણ મેળા થકી ભગીરથ કામ થઇ રહ્યું છે.ગરીબ કલ્યાણ મેળા થકી આર્થિક જીવન ધોરણ સુધર્યું છે.

મહેસાણા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ દ્વારા તેમને મળેલ લાભોથી સંતોષ વ્યક્ત કરી રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. મુખ્ય સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ કીટ-સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં મેળા પહેલાં ૪૧,૩૬૫ લાભાર્થીઓને રૂ. ૮૨.૬૪,કરોડ રૂપિયાની સહાય અપાઇ છે.

Previous articleવિધાનસભા ખાતે અધિકારીઓ-કર્મચારીઓ માટે મોટિવેશનલ પ્રવચન કાર્યક્રમ યોજાયો
Next articleલોકરક્ષકની પરીક્ષાનો સમય બદલાયો ૨૫૦૦ સેન્ટર પર પરીક્ષા લેવાશે