ગત ચોમાસે પોરબંદર સહિત ગુજરાતમાં અપૂરતો વરસાદ વરસ્યો છે તેથી ઉનાળો કેવો જશે ? તેવી સૌ કોઈ ચિંતા કરી રહ્યા છે પરંતુ તમે કોઈ પાણીની ચિંતા ના કરતા… સરકારમાં છે પાણી… હું છું રૂપાણી… તેમ કહીને ગુજરાતના મુખ્યમંત્રીએ પોરબંદરના ચોપાટી મેદાનમાં યોજાયેલ પાણીની પાઇપલાઇન યોજના સહિત ગરીબ કલ્યાણ મેળા અને પાણી બચાવો અભિયાન કાર્યક્રમમાં કોંગ્રેસને શાબ્દિક ચાબખા માર્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ૧૧૯ કરોડની પાણીની પાઇપલાઇન યોજનાનું ખાતમુહુર્ત કર્યું છે, જેમાં ઉપલેટાથી રાણાવાવ સુધી ૬૪ કિલોમીટરની યોજના પૂર્ણ થશે એટલે ઉનાળા દરમ્યાન પોરબંદર જિલ્લાને નર્મદાનું પાણી વધુ માત્રામાં ઉપલબ્ધ થશે.
કોંગ્રેસને શાબ્દિક ચાબખા મારતા તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારે તેમના શાસનકાળમાં દેશને લૂંટવા નું જ કામ કર્યું છે. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું એક રૂપિયો ગરીબો માટે મોકલું છું તો તેમાંથી ૮૫ પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. એ સમયે રાજીવ ગાંધીનું રાજીનામું નહીં માંગનાર કોંગ્રેસીઓ હવે હોબાળો મચાવે છે. ગરીબી હટાવવાની વાતો કરનાર કોંગ્રેસે હકીકતે ગરીબોને હટાવ્યા છે અને તેથી પ્રજાએ તેમને જાકારો આપ્યો છે, તેમ કહીને મુખ્યમંત્રીએ ભાજપ સરકારની સાફલ્યગાથા વર્ણવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચારની ખોટી કાગારોળ મચાવી ધરણા કરી રહેલી કોંગ્રેસને પોરબંદરના ગરીબ કલ્યાણ મેળામાં આડે હાથ લીધી હતી. રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં તેમના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કબુલ્યું હતું કે, દિલ્હીથી ગરીબો માટે મોકલવામાં આવતો ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા ૧૫ પૈસા થઇ જાય છે.
આટલો વ્યાપક ભ્રષ્ટાચાર એ સમયે ચાલતો એવું ખુદ કોંગ્રેસના વડાપ્રધાને સ્વીકારેલું ત્યારે આ કોંગ્રેસીઓન મોઢા કેમ સિવાઇ ગયેલા ? ત્યારે ભ્રષ્ટાચાર સામે ધરણા કે આંદોલન કરવાનું તેમને કેમ સુઝ્યું નહીં એવો સવાલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શીતા અને સંવેદનશીલતા સાથે ભ્રષ્ટાચારરહિત સુશાસન આપી રહી છે.
પોરબંદર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરીને ઉચ્ચારણ કર્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસના આરોપી છે અને હાલ તેઓ જામીન પર મુક્ત થયા છે. યુપીએની મનમોહન સરકારે સોનિયા ગાંધીના ઇશારે અનેક કૌભાંડો આચર્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. પોરબંદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવવા આવેલા લાભાર્થીઓએ પડાપડી કરતા પોલીસને દોડી આવવાની ફરજ પડી હતી અને દંડા બતાવીને લોકોને નીચે બેસાડ્યા હતા. ત્યાં સુધીમાં સાધન સામગ્રી માટે રાખવામાં આવેલી અનેક છત્રીઓ નીચે પડી ગઈ હતી. અમે બિનખેતી(એન.એ.)માં જે ભ્રષ્ટાચાર થતો એ દૂર કરી ઓનલાઇન એન.એ. કર્યું તેનો પણ કોંગ્રેસશાસિત જિલ્લા પંચાયતો વિરોધ કરી રહી છે કેમ કે, તેમની ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઇ જવાની છે તેમ પણ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર સરસંધાન સાધતા જણાવ્યું હતું.