ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ અગાઉ ક્ષત્રિય સમાજ તથા પાટીદાર એકતા સમિતિના સંયુક્ત ઉપક્રમે આ સભાનો ઉગ્ર વિરોધ કરવાનું નક્કી કર્યુ હતું અને પૂર્વ આયોજન મુજબ વરતેજ નાની ખોડીયાર મંદિર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ સ્થળે વિરોધીઓ પ્રદર્શન કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા ધરપકડ કરી વરતેજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. એ જ રીતે શહેરના બોરતળાવ સ્થિત મફતનગરમાં એક કોળી બાળા પર થયેલ કથીત દુષ્કર્મ મામલે હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકી ન હોય જેને લઈ કોળી સમાજના સંગઠન તથા ભોગગ્રસ્ત બાળાના પરિવારે વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શનનો નિર્ણય કર્યો હતો. જેને લઈને ડી ડીવીઝન પોલીસે કોળી સમાજના લોકોની અટકાયત કરી હતી. કુલ મળી ૪૩ વ્યક્તિઓ વિરૂધ્ધ ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.