આજે રાજીવ સાતવ ગુજરાતમાં, લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગે બેઠક યોજશે

440

લોકસભાની ચૂંટણીને આડે હવે ૩ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે સત્તામાં વાપસી કરવા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાવાના કારણે કોંગ્રેસે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે કોઇ કચાશ છોડવા નથી માંગતી.આ જ ધ્યેય સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ૫ જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજીવ સાતવ લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગે બેઠક યોજશે. તેમજ નારાજ સિનિયર નેતાઓ સાથે પણ વન ટુ વન બેઠક કરી શકે છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતમાં ‘મિશન પ૦ ટકા’ શરૂ કર્યું છે, જેમાં તે લોકસભાની ર૬માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવવા માંગે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક જીતી શકી ન હતી અને સફાયો બોલાઈ ગયો છે. મોદીના જાદુમાં ગુજરાતે ૨૬માંથી ૨૬ બેઠકો જીતાડી મોદીને પીએમ બનાવવામાં સહયોગ આપ્યો હતો. પરંતુ આ વખતે ર૬ બેઠકોમાંથી અડધી બેઠકો જીતી શકાશે તેમ કોંગ્રેસ માને છે. તેણે બૂથ લેવલ કમીટી દ્વારા તળિયાં સુધી જનસંપર્ક વધારવાની યોજના ઘડી છે.

કોંગ્રેસ પ્રતિબધ્ધ કાર્યકર્તાઓની પણ શોધમાં છે. કોંગ્રેસની યોજનાઓથી માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે મિશન પ૦ ટકામાં લોકસભાની ૧૩ બેઠકોને લક્ષ્ય બનાવવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે. લોકસભામાં સક્ષમ ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ દ્રારા આ વખતે નવો કિમીયો અજમાવવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોનો મેસેજ મારફતે જવાબ લેવામાં આવી રહ્યો છે કે તેઓ કોને પોતાના ઉમેદવાર માટે પસંદ કરી રહ્યાં છે. મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીએમની પસંદગી માટે પણ રાહુલ ગાંધીએ શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોને ફોન કરી તેમના અભિપ્રાય લીધા હતા. ત્યારે લોકસભાના ઉમેદવાર માટે પણ આ જ પેટર્ન અમલમાં મુકવામાં આવી છે.

Previous articleપીપાવાવમાં વિશ્વનો સૌથી મોટો ૧૦૦૦ મેગાવોટ ઓફશોર પ્લાન્ટ બનાવવાની તૈયારી
Next articleરાજ્યમાં ૬ થી ૮ જાન્યુ. દરમિયાન કોલ્ડવેવની આગાહી