શ્રીલંકાની મહિલાએ સબરીમાલા મંદિરમાં દર્શન કર્યા

626

કેરળમાં વિરોધની વચ્ચે ગુરુવારે રાત્રે શ્રીલંકાની એક મહિલાએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જે બાદમાં મંદિરને થોડા સમય માટે બંધ કરીને પવિત્ર કરવામાં આવ્યું હતું. ૪૬ વર્ષીય શ્રીલંકન નાગરિક ત્રીજી મહિલા બની ગઈ છે જેણે ૧૦થી ૫૦ વર્ષની વચ્ચેની ઉંમર હોવા છતાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હોય. નોંધનીય છે કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર દશકાઓથી પ્રતિબંધ છે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મહિલાઓ માટે મંદિરના દ્વારા ખોલવાનો આદેશ કર્યો છે.

પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ૪૨ વર્ષીય શ્રીલંકન મહિલા પોતાના ભગવાનને ધરાવવાની વસ્તુઓ માથા પર લઈને મંદિરમાં પ્રવેશ કરી રહી છે.

ટાપુઓના દેશની નાગરિક એવી સસિકલાએ આ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેણી ૧૮ ગોલ્ડન સ્ટેપ્સ નજીક છે, અહીં તેણીને પોલીસે રોકી રાખી છે. બાદમાં પોલીસે કહ્યું હતું કે આ મહિલા દર્શન કરવામાં સફળ રહી હતી.

મિસ સસિકલા પહેલા બિન્દુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ બુધવારે ભગવાન અય્યપ્પાના દર્શન કર્યા હતા. બંને મહિલાઓ વહેલી સવારે મંદિરમાં પ્રવેશી હતી. દર્શન બાદ બંનેએ દાવો કર્યો હતો કે બંનેએ કોઈ પણ પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો ન હતો. એટલું જ નહીં બંને પોલીસ રક્ષણ વગર જ મંદિરમાં પ્રવેશી હતી.

Previous articleરામ મંદિર : ૧૦મી સુધી સુનાવણી મોકુફ
Next articleરાજુલાના ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન