ઉત્તરપ્રદેશમાં લોકસભા ચુંટણીને લઈને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સંભવિત ગઠબંધન પર સહમતી બની રહી છે. સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર ચૌધરીએ માહિતી આપતા કહ્યું છે કે અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સૈદ્ધાંતિક સહમતી બની ગઈ છે અને આ મહિનાના અંત સુધી ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવશે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું છે કે તેમને એવી કોઈ માહિતી નથી કે વાતચીત કરવામાં આવી ચુકી છે. સપાના નેતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે લોકસભા ચુંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધન મુદ્દે સહમત છે.
ઔપચારિક જાહેરાત કોઈપણ સમયે કરવામાં આવી શકે છે. શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી ચુકી છે. અખિલેશ યાદવ અને માયાવતીએ ગઠબંધનને સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે. શુક્રવારના દિવસે આ બંને નેતાઓની બેઠક યોજાઈ હતી. બીજી બાજુ બેઠકોના સંદર્ભમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને અખિલેશ યાદવના કાકા રામગોપાલ યાદવને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંદર્ભમાં કોઈ વાતચીત થઈ છે તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. સૂત્રોનું કહેવું છે કે કોઈપણ પ્રકારની ઘોષણા થશે તો માયાવતી અને અખિલેશ યાદવ દ્વારા જાહેરાત કરવામાં આવશે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી લોકસભાની ચુંટણીમાં એકસમાન સીટો પર મેદાનમાં ઉતરશે. આ ફોર્મ્યુલા હેઠળ બંને પાર્ટીઓ ૩૫ અથવા ૩૬ સીટો પર ચુંટણી લડશે. કોંગ્રેસને આ ગઠબંધનથી બહાર રાખવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. રાયબરેલી અને અમેઠીમાં બંને પાર્ટીઓ કોંગ્રેસનું સમર્થન કરશે. રાષ્ટ્રીય લોકદળને ગઠબંધનમાં બે ત્રણ સીટો મળી શકે છે. બાકીની સીટો પર અન્ય પાર્ટીઓને આવરી લેવામાં આવશે. વાતચીત નિર્ણાયક તબક્કામાં છે.