કલોલમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ સંસ્થાના રજત જયંતિ અવસરે યોજાયેલા શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્ન પારાયણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત રહી ભક્ત સમુદાયને સંબોધન કર્યું હતું. આ અવસરે તેમણે સંસ્થા સંચાલિત મલ્ટિ-સ્પેશ્યાલિટી હોસ્પિટલના લેમિનાર ઓપરેશન થિયેટરને પણ ખુલ્લું મૂક્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ભૂમિકા ઉલ્લેખનીય રહી છે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વ્યસનમુક્તિ, શિક્ષણ, આરોગ્ય, સદાચાર અને સંસ્કાર સિંચનનું વ્યાપક જન અભિયાન આ સંપ્રદાયના સંતો લોકો વચ્ચે જઇને સત્સંગ, ગુરૂકુળો-વિદ્યાધામો દ્વારા પ્રસરાવી રહ્યાં છે તે આત્માને પરમાત્મા ભણી પ્રેરિત કરવાનો સદમાર્ગ છે.