આજે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ મોડી સાંજે ભાવનગરના શહેરી વિસ્તાર એવાં તરસમીયા ગામે રૂવા, તરસમીયા, અકવાડા ગામને પાણીની લાઈનની સંપૂર્ણ સુવિધા મળે તે હેતુસર રૂપિયા ૫.૭૮ કરોડના ખર્ચે ૧૨ મહિનાના સમયગાળામાં સાકાર થનાર અને અંદાજીત ૧૪ હજારની વસ્તીને લાભ મળે તે હેતુસર ખાતમુહુર્ત કર્યુ હતુ. અકવાડા ગુરૂકુળથી અકવાડા પંચાયત ઓફીસ તરફ જતા રસ્તે સેન્ટ્રલ સ્ટ્રીટ લાઈટનું કામ કે જે રૂપિયા ૦૭ લાખના ખર્ચે ૧૨૦ દિવસના સમયગાળામાં સાકાર થશે તેનું ખાતમુહુર્ત કર્યુ હતુ, દક્ષિણ સરદારનગર વોર્ડમાં રસ્તાઓના કામનું ખાતમુહુર્ત કર્યુ હતુ, ઘોઘારોડથી શિવપાર્ક સુધીનો પાકો રસ્તો બનાવવા, ઘનશ્યામનગર પ્રાથમિક શાળાની પાસેથી પસાર થતા રોડ પેવર રોડનું ખાતમુહુર્ત કર્યુ હતુ, રૂવા ખાતે ટી. પી. સ્કીમ નં. ૦૩ એફ. પી. નં. ૧૧૨ અખિલેશ સર્કલ રૂવા ખાતે સાકાર થનારા કોમ્યુનીટી હોલના કામનુ પણ ખાતમુહુર્ત કર્યુ હતુ.
આમ શ્રેણીબદ્ધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરી અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે નજીકનાં ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડી અને તેના વિકાસ અર્થે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ઘોઘા રોડથી તરસમીયા રોડ ચાર માર્ગીય રોડ રૂપિયા ૦૨ કરોડના ખર્ચે સાકાર થશે, શિવાજી સર્કલથી અકવાડા ગુરૂકુળ સુધી છ માર્ગીય રસ્તો બનશે, ટોપ થ્રી થી તરસમીયા સુધીનો રસ્તો ચાર માર્ગીય બને તે દિશામાં આયોજન હાથ ધરાશે તેમ જણાવી વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારે એન. એ. કરવાની સીસ્ટમ ને પારદર્શક કરવાના હેતુસર આ સીસ્ટમ ઓન લાઈન કરી છે તેથી લોકોને દિવસ ૧૦ માં એન. એ. ની મંજુરી મળતી થઈ ગઈ છે ૧૮૧ અભ્યમ હેલ્પ લાઈન થકી દિકરીઓ, બહેનોને સુરક્ષા કવચ મળી રહ્યુ છે. રાજ્ય સરકારે પારદર્શિતા, સંવેદનશીલતાથી વિકાસની વણઝાર સર્જી છે.
આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, નાયબ મેયર અશોકભાઈ બારૈયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા પંડ્યા,સંગઠનના મહામંત્રી રાજુભાઈ બાંભણીયા, બિલ્ડર અરવિંદભાઈ જાસોલીયા, મહિલા મોર્ચાના મહામંત્રી બિન્દુબેન, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.