સવર્ણો માટે ૧૦% અનામતને કેબિનેટની લીલીઝંડી

1444

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ધારણા પ્રમાણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વધુને વધુ આક્રમક બની રહ્યા છે અને માસ્ટર સ્ટ્રોક રમવાની શરૂઆત કરી ચુક્યા છે. આના ભાગરુપે જ આજે એક માસ્ટરસ્ટ્રોક રમીને કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ જાતિ અથવા તો ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી. ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે. ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે. અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવશે જેના ભાગરુપે ૧૦ ટકા ક્વોટાને આર્થિકરીતે નબળા વર્ગને આવરી લેવા માટે રહેશે. લાંબા સમયથી આર્થિકરીતે નબળા સવર્ણો માટે અનામતની માંગ કરવામાં આવી રહી હતી. મિડિયા રિપોર્ટની વાત કરવામાં આવે તો જે લોકોની પારિવારિક આવક ૮ લાખ રૂપિયાથી વાર્ષિક ઓછી છે તે લોકોને આનો ફાયદો થશે. આની સાથે સાથે શહેરમાં ૧૦૦૦ સ્કેવરફુટથી નાના મકાન અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીનની શરત પણ આમા ઉમેરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા જ એસસી અને એસટી એક્ટ પર મોદી સરકારના નિર્ણય બાદ સવર્ણ જાતિઓમાં નારાજગી જોવા મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં લઇને આને સવર્ણ લોકોને પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. કેન્દ્ર સરકારે આર્થિકરીતે પછાત સવર્ણો માટે ૧૦ ટકાના ક્વોટાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે પરંતુ તેને પસાર કરવાની બાબત હજુ મુશ્કેલ દેખાઈ રહી છે. સરકારને આના માટે બંધારણમાં સુધારા કરવાના રહેશે. સંસદમાં અન્ય પક્ષોના સમર્થનની પણ જરૂર રહેશે. કેબિનેટે આ પ્રસ્તાવ મંજુર કરતાની સાથે જ કોંગ્રેસ, એનસીપી અને આમ આદમી પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ આ મોટો દાવ રમ્યો છે અને ૧૦ ટકા અનામતનો માસ્ટરસ્ટ્રોક રમી દીધો છે. એસસી અને એસટી અનામત સાથે જોડાયેલા વટહુકમ પર સામાન્ય વર્ગની નારાજગીનો સામનો કરી રહેલી ભાજપ સરકારને આ પ્રસ્તાવથી ખુશી દેખાઈ રહી છે. ત્રણ રાજ્યોમાં હાર થયા બાદ સામાન્ય વર્ગના લોકોને ખુશ કરવાના હેતુસર આ હિલચાલ જોવામાં આવે છે. જનરલ કેટેગરીના લોકો ભાજપના પરંપરાગત વોટબેંક તરીકે છે. આવી સ્થિતિમાં ૨૦૧૯થી પહેલા સવર્ણોની નારાજગી ઘટાડવાની બાબત ખુબ ઉપયોગી બની ગઈ હતી. સરકારે આ પ્રસ્તાવને મંજુરી આપીને સવર્ણોને ફરીથી પોતાની પાસે લાવવાના પ્રયાસ કરી દીધા છે.

એએપી અને એનસીપી દ્વારા સવર્ણોને અનામતમાં ટેકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગરીબ સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ટેકો આપ્યો છે. સાથે સાથે શરદ પવારની પાર્ટી એનસીપીએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ સંદર્ભમાં સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી દીધી છે. કેજરીવાલે ઇશારા ઇશારામાં આને ભાજપના ચૂંટણી સ્ટંટ તરીકે પણ ગણાવીને ટકોર કરી છે. ટિ્‌વટ પર કેજરીવાલે કહ્યું છે કે, ચૂંટણી પહેલા ભાજપ સરકાર સંસદમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરે તેમ અમે ઇચ્છીએ છે. અમે સરકારનો સાથ આપીશું. જો ચૂંટણી પહેલા આને રજૂ કરવામાં નહીં આવે તો એમ માનવામાં આવશે કે ભાજપે માત્ર સ્ટંટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે પણ મોદી સરકારના આ નિર્ણય સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું છે કે, આર્થિકરીતે નબળા સવર્ણ જાતિઓ માટે મોદી સરકારે ૧૦ ટકા અનામતનું સ્વાગતરુપ ચૂંટણી વચન આપી દીધું છે. જો કે તેમણે કહ્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત ઉપર કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. આવી સ્થિતિમાં કઈરીતે આગળ વધવામાં આવશે તેને લઇને પ્રશ્ન થઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મખ્યમંત્રી હરિશ રાવતે પણ આને ચૂંટણી સ્ટંટ તરીકે ગણાવીને વિલંબથી લેવામાં આવેલા પગલા તરીકે આને ગણાવીને ટિકા કરી છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી નજીક આવી છે ત્યારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે આર્થિકરીતે નબળા સવર્ણ જાતિઓને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, લાભાર્થીઓની શ્રેણીમાં આવનાર માટે કેટલીક શરતો મુકવામાં આવી છે. સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યં છે.

આઠ લાખથી ઓછી આવક ધરાવનારને જ ફાયદો મળશે

લોકસભા ચૂંટણીમાં મોટા લાભ લેવાના ઇરાદાથી આ હિલચાલને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અનામતની કેટલીક શરતો રહેલી છે જેના ભાગરુપે જે પરિવારને વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે તેને ફાયદો મળશે. આની સાથે સાથે શહેરમાં એક હજાર સ્કેવર ફુટથી નાના મકાનો અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીન ધરાવનારને પણ આનો લાભ મળશે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. પ્રસ્તાવ પાસ થયા બાદ હવે તેને બંધારણમાં સુધારા માટે ગૃહમાં રજૂ કરાશે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટી પ્રસ્તાવનો વિરોધ કરશે તો તે પાર્ટીને સવર્ણોની નારાજગીનો સામનો કરવો પડશે.

રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતિ નથી. આવી સ્થિતિમાં આ પ્રસ્તાવ કોંગ્રેસની મદદ વગર પાસ થઇ શકશે નહીં. આગામી દિવસો ખુબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આનો લાભ મળી શકશે. બંધારણની કલમ ૧૫ અને ૧૬માં આ નિર્ણયના અમલીકરણ માટે સુધારા કરવામાં આવશે. હાલમાં અનામત ક્વોટા ૪૯.૫ ટકા છે જેને વધારીને ૫૯.૫ ટકા કરવાનો મુખ્યરીતે ઉદ્દેશ્ય રહેલો છે. અનામતનો લાભ લેવા માટે નિવાસી આવાસ ૧૦૦૦ સ્કેવર ફુટથી ઓછા રહેવા જોઇએ. આ ઉપરાંત નોટિફાઇડ કરવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧૦ યાર્ડ કરતા ઓછા રેસિડેન્ટલ પ્લોટ ધરાવનાર લોકોને પણ રાહત થશે. આવી જ રીતે ૨૦૦ યાર્ડથી નીચેના રેસિડેન્ટલ પ્લોટ નોન નોટિફાઇડ મ્યુનિસિપલ વિસ્તારમાં રહેશે તો પણ તેને લાભ મળી શકશે. સરકાર દ્વારા આવતીકાલે મંગળવારના દિવસે ક્વોટા અંગે બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવી શકે છે.

Previous articleવડાપ્રધાનની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું પોસ્ટર લોન્ચ
Next articleશિક્ષણપ્રેમી દાતા પરિવારો દ્વારા વિવિધ શાળાઓમાં સાધનો અપાયા