ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર દ્વારા પાલીતાણા હાઇસ્કુલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં એસ.બી.એમ. બ્રાન્ડ એમ્બેસડર નાથાભાઈ ચાવડા તેમજ પાલીતાણા નગરપાલિકાના સેનેટરી ચીફ ઇન્સ્પેકટર, તાલુકા પંચાયતના એસ.બી.એમ. એન્જિનિયર, ક્લસ્ટર કોઓર્ડીનેટર તેમજ વિવિધ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા સ્થાનિક રહીશોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા તેમજ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અપીલ કરી હતી.
ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.સ્વચ્છતા સંદર્ભે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું .સાથે જ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે પણ જાણકારી પુરી પાડી હતી.પાલિતાણાના અંતરિયાળ વિસ્તારમાંથી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પોતાના ઘરે અને આસપાસ સ્વચ્છતા નો સંદેશો આપવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથે સંદેશો આપતા ભવાઈ મંડળી દ્વારા રંગલો અને રંગલીના પાત્ર સાથે ભવાઈનું મંચન કરી સ્વચ્છતાનો સંદેશ વહાવ્યો હતો.
ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ સરકાર દ્વારા ચાલતા અભિયાન વિષે પોતાનો સંદર્ભ આપી તેઓ વકતૃત્વ સ્પર્ધામાં વિજયી બન્યા હતા. આ ઉપરાંત હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં પોતાના મત મતાંતર નોંધી સ્વચ્છતા પર નિબંધ લખ્યો હતો જેમાં વિજેતા થનાર પાલીતાણા હાઇસ્કુલના વિદ્યાર્થીને પાલિતાણાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બસેડર નાથાભાઈના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું અને સ્વચ્છતાના વિષયને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના વિજેતાઓને કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં “નો પ્લાસ્ટિક”ના અભિયાનને વેગ આપવા વિદ્યાર્થીઓને કાપડની થેલી વિનામૂલ્યે વિતરણ કરી પ્લાસ્ટિકબેગ ના વાપરવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા.