ભીનો, સૂકો કચરો અલગ લેવાનો નિયમ મનપાને લાગુ પડતો નથી!

675

મનપા વિસ્તારમાં કચરા ગાડીઓમાં ભૂંગળા વગાડવામાં આવતા હતા કે, ૧૦મી ડિસેમ્બરથી દરેક ઘરેથી ભીનો અને સૂકો કચરો અલગ જ લેવાશે. કચરો અલગ લઇને તેનું વ્યવસ્થાપન સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ને લક્ષમાં રાખીને કરવા માટે મહાપાલિકાના અધિકારી ઓ મથી રહ્યાં છે.

પરંતુ પાટનગરમાં જુદી પરિસ્થિતિ જોવા મળી છે. ઘ ૨ સર્કલ નજીક અપના બજાર પાસે સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં આવેલા મહા નગરપાલિકાના ગાર્બેજ કોમ્પેક્ટર ટ્રક સાથે કાર્યરત સ્વચ્છતા કર્મચારીઓએ જાહેરમાં મુકવામાં આવતા ભીના અને સૂકા કચરાના લીલા અને ભૂરા બિન એક પછી એક ઉઠાવીને કચરો ભેગો જ કરી નાખ્યો હતો. જાણે મહાપાલિકાને કચરાના વર્ગીકરણનો નિયમ લાગુ પડતો નહીં હોવાનું ચિત્ર ઉપસ્યુ હતુ.

આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે અને હવે વધુ દિવસો બાકી રહ્યાં નથી. ત્યારે મહાપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવા મ્યુનિસિપલ કમિશનર રતનકવર ચારણગઢવીએ સમગ્ર તંત્રને દોડતુ કરી દીધુ છે.

કમિશનર પોતે સ્વચ્છતાના મુદ્દે આકસ્મિક તપાસ કરવા પહોંચી જતા હોવાથી તે વાતની અસર પણ શહેરની સફાઇમાં દેખાવા લાગી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો કોઇને કોઇ રીતે ઘાલમેલ કરવામાં માહિર હોય તેમ ઘ ૨ પાસે અપનાબજાર જેવા જાહેર વિસ્તારમાં મુકવામાં આવેલી ભીના કચરાની લીલા રંગની બિન્સ અને સૂકા કચરાની ભૂરા રંગની બિન્સને ઉઠાવીને એક જ ગાર્બેજ કોમ્પેક્ટરમાં ઠલવી દેવામાં આવી હતી.

પાટનગરના વ્યસ્ત રહેતા રહેવાસીઓ જ્યાં સુધી પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી કોઇ વાતે ફરિયાદ કરતા નહીં હોવાથી લોકો ની નજર સામે જ નિયમ ભંગ કરતા કોન્ટ્રાક્ટરો મનમાની કરીને નિયમભંગ તો કરી જ રહ્યાં છે, સાથે જ સ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્ર સરકારની યોજના અને જોગવાઇઓની સરેઆમ ધજિયા ઉડાવી રહ્યાં છે. શહેરમાં કચરો લેવાની બાબતે બેધારી નીતીનો આક્ષેપ થઈ રહ્યો છે.

Previous articleડભોડામાં સિનિયર સિટીઝનનો સ્નેહમિલન સમારોહ યોજાયો
Next articleમુખ્યમંત્રી રોડ અકસ્માતમાં કાફલાને ફરી એક વાર રોકયો