બગદાણા-વાવડી રોડ પર પુલનું નિર્માણ કાર્ય ર માસથી ઠપ્પ

1360
bvn7122017-2.jpg

બગદાણાથી વાવડી-કદમ્બગીરી રોડ પર આવેલ કળમોદર ગામ પાસે નદી પર પુલ બનાવવાની કામગીરી ર માસથી બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
મહુવા તાલુકાનું વિશ્વવિખ્યાત તિર્થધામ બગદાણા ખાતે બારેમાસ મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓની અવરજવર રહે છે. બગદાણાથી કળમોદર, વાવડી, કદમ્બગીરી, કોટીયા, કુંઢડા સહિતને જોડતો રાજાશાહી કાળનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે તથા કળમોદર ગાના પાદરમાંથી પસાર થતી નદી પર તંત્ર દ્વારા નાળુ બનાવવાનું કાર્ય હાથ ધર્યુ છે પરંતુ કોઈ કારણોસર છેલ્લા ર માસથી કોન્ટ્રાક્ટરે નિર્માણ કાર્ય બંધ કરી દેતા વહેતી નદીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન આ નદીમાં ભારે પુર આવે છે. પરિણામે ૭થી વધુ ગામો સંપર્ક વિહોણા બને છે. હાલની સ્થિતિએ અધુરા કામને લઈને વાહન ચાલકો તથા રાહદારી વર્ગ અપાર યાતના વેઠી રહ્યો છે. સામાન્યતઃ પુલ નિર્માણ દરમ્યાન રોડ પર ડાઈવર્ઝન આપવામાં આવે છે પરંતુ જવાબદાર તંત્રએ તસ્દી પણ ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તથા ૧૬ કિલોમીટરનો માર્ગ પણ બિસ્માર હાલતમાં હોય લોકો સત્વરે કામ પૂર્ણ થાય તેવું ઈચ્છી રહ્યાં છે.

Previous articleઆંતર યુનિ. ફુટબોલ સ્પર્ધામાં પસંદગી પામતી ૬ વિદ્યાર્થીનીઓ
Next articleરેડક્રોસની ડીઝાસ્ટર અને આરોગ્ય ટીમો દરિયાકાંઠાના ગામોની મુલાકાતે