ઉત્તરાયણ : પોળના ધાબાનું ૨૫ હજાર સુધીનું ભાડુ થયું

546

શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. એ કાઇપોના અવાજો વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે. બે દિવસનું ભાડું રૂ.૧૫-૧૭ હજાર હતું, જે આ વર્ષે વધીને રપ હજાર થયું છે. પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. શહેરના દરિયાપુર, કાલુપુર, ખાડિયા, ગાંધીરોડ, પાંચકૂવા, રિલીફરોડ, રાયપુર સહિત કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણ મનાવવા માટે ધાબાની ડિમાન્ડ છે. બીજીબાજુ, ઉત્તરાયણને લઇ હવે પોળમાં મકાન ધરાવતા લોકો માટે કમાણીનું પર્વ બની રહ્યું છે, કેમ કે લોકો હવે મિત્રો, સગાં સાથે પોળના ધાબા પર ઉત્તરાયણની મોજ માણવા ખાસ પોળમાં આવે છે.

ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું કહેવું છે કે, આ વર્ષે પોળના ધાબાનું ભાડું છેક રૂ. રપ હજાર સુધી પહોંચ્યું છે. એક મહિના પહેલાં જ લોકો ધાબાનું બુકિંગ કરાવી દે છે. આ વર્ષે ધાબાના ભાડામાં પાંચથી સાત હજારનો વધારો થયો છે. આટલું ભાડું હોવા છતાંય ધાબા ભાડે મળતાં નથી. ધાબાંના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે, જેમાં સવારનો બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈ ટીનો સમાવેશ થાય છે. પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઊજવવા માગતા હોય છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે તેવા રસિકો માટે ખાડિયામાં રહેતા આશિષ મહેતા નામના મકાન માલિક પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં, પરંતુ મુંબઈમાંથી પણ ર૦થી વધુ ઇન્કવાયરીઓ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કેટલાક ધાબા પર ૧ર વર્ષથી નીચેનાં બાળકોને રૂપિયા પ૦૦, ૧રથી વધુ ઉંંમરની વ્યક્તિઓ માટે ૧૭૦૦ અને એનઆરઆઇ વ્યક્તિ માટે રપ૦૦ રૂપિયા વ્યક્તિદીઠ લેવાનો પણ ટ્રેન્ડ છે, જેમાં પતંગરસિકોએ ખાલી પહોંચવાનું રહે છે અને તેઓ સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી તમામ સુવિધાઓ જે તે ધાબે જ મેળવી શકશે, જેમાં પતંગ, ફીરકી તેમજ જમવામાં વિવિધ પ્રકારની વાનગીઓનો પણ સમાવેશ કરાશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલી રૂપાણીએ પણ ગત વર્ષે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવી ઉત્તરાયણ સેલિબ્રેટ કરી હતી. આ વર્ષે પણ ઉત્તરાયણમાં પોળોમાં કોઇ સેલિબ્રિટી  કે મહાનુભાવો મહેમાન બની તહેવારની મોજ માણે તેવી પૂરી શકયતા છે.

Previous articleરણજી ટ્રોફીઃ મધ્ય પ્રદેશ ૩૫ રન પર ઓલઆઉટ
Next articleબે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત બેંક-વીમા કર્મચારીઓના સૂત્રોચ્ચાર