કેન્દ્ર અને રાજ્ય સરકારની કામદાર વિરોધી તથા મોટા ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ તરફી નીતિઓના વિરોધમાં કામદાર સંગઠનોએ હડતાલ અંતર્ગત મકકાઈ પુલ ખાતે દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતા. કામદાર સંગઠનોએ બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. હડતાળનો બુધવારે બીજો દિવસ હતો.
દેશના તમામ કામદાર સંગઠનોએ આપેલા બે દિવસના હડતાળના એલાનમાં બેંક, વીમા, ડિફેન્સ બીએસએનએલ, પોસ્ટ, એસ.ટી, મધ્યાન ભોજન, આંગણવાડી, આશા હેલ્થ વર્કરો, નગરપાલિકા તથા મહાનગરપાલિકાના કામદારો, કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ સામેલ થાય છે. અહીં મક્કઈ પુલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે ૨૦૦ થી વધુ કામદારો જોડાયા હતા.
કેન્દ્રીય શ્રમિક સંગઠને કેન્દ્ર સરકાર સમક્ષ શ્રમિકોને માસિક રૂપિયા ૧૮ હજારથી ઓછું ન હોય તેટલું લઘુતમ વેતન આપવા તથા રૂપિયા ૩૦૦૦ થી ઓછું ન હોય તેટલું માસિક પેન્શન આપવા, કામદારોના કાનૂનના સુધારા પડતા મૂકવા, પ્રોવિડન્ટ ફંડ, બોનસ ઉપરની સીલીંગ દૂર કરવા તથા ગ્રેજ્યુટી રકમમાં વધારો કરવા, રેલવે, વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડી રોકાણ બંધ કરવા સહિતની અન્ય માગણીઓ મૂકી છે.