ગુજરાત સરકારે ‘અ’ વર્ગની ૧૮ નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
લોકોને સ્થાનિક કક્ષાએ વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે હેતુસર ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકા માટે આ વ્યવસ્થા કરાઈ છે.
આ નિર્ણય અન્વયે તાત્કાલિક અસરથી ૧૮ નગરપાલિકા વિસ્તારો (૧) અમરેલી (૨) ભૂજ (૩) કલોલ (૪) વેરાવળ (૫) ગોધરા (૬) પાટણ (૭) પોરબંદર (૮) પાલનપુર (૯) ડીસા (૧૦) ભરૂચ (૧૧) બોટાદ (૧૨) મહેસાણા (૧૩) જેતપુર (૧૪) ગોંડલ (૧૫) મોરબી (૧૬) વાપી (૧૭) વલસાડ (૧૮) સુરેન્દ્રનગર મામલતદાર (શહેર)ની અલગ કચેરીઓ ઉભી કરાશે.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, આ ઉપરાંત કલેકટર કચેરી કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી બિનખેતી પરવાનગીની સત્તાઓ કલેકટરકક્ષાએ તથા નિવાસી અધિક કલેકટરકક્ષાએ વહેંચવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ઝ્ર અને ડ્ઢ કક્ષાની નગર પાલિકાઓ, છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યના ૩ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં અને ૧ એકર સુધીની જમીન મર્યાદામાં બિનખેતીની પરવાનગી આપવાની સત્તા નિવાસી અધિક કલેકટરને સોંપી છે.જ્યારે તે સિવાયના તમામ વિસ્તારો માટે બિનખેતી પરવાનગી આપવાની સત્તા કલેકટર હસ્તક રાખવામાં આવી છે.મહેસૂલ મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલી પ્રક્રિયાનું ડીઝીટાઈઝેશન થાય તે પ્રક્રિયાને આગળ વધારતા બિનખેતી પરવાનગી મેળવ્યાં બાદ સિસ્ટમ જનરેટેડ બિનખેતી પરવાનગી હુકમની સીધી જ નોંધ ઈ-ધરામાં થાય તેવી વ્યવસ્થા ફેબ્રુઆરી ૨૦૧૯થી અમલી બનશે.