૧૨ થી ૨૦ જાન્યુ. સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ પતંગ નહિ ચગાવી શકાય

583

ઉત્તરાયણ પર્વને લઇને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ કમિશ્નર દ્વારા તઘલખી ફતવો બહાર પાડવામાં આવ્યો છે. જેને કારણે સુરતીલાલાઓમા કચવાટ જોવા મળી રહ્યો છે. ૧૨થી ૨૦ જાન્યુઆરી સુધી સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ પતંગ ચલાવી શકાશે નહિ. જો કોઇ શખ્સ આ સમયગાળા દરમિયાન પતંગ ચગાવશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેવો આદેશ કરાયો છે.

ઉત્તરાયણનો પર્વ આવતાની સાથે જ નાના બાળકોથી લઇ વૃદ્ધોમા ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. જો કે તેમની આ ખુશી પર પોલીસ કમિશનર સતીષ શર્માએ પાણી ફેરવી દીધુ છે. જી હા પોલીસ કમિશનર દ્વારા એક તઘલખી ફરમાન બહાર પાડવામા આવ્યુ છે કે, ઉત્તરાયણના ૮ દિવસ સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ પતંગ નહિ ચગાવી શકાશે.

આ સમયગાળા દરમિયાન પક્ષીઓ માળામાંથી બહાર આવતા-જતા હોવાથી તેઓને પતંગના કાતિલ દોરાથી ઇજા થવાની સંભાવના હોય છે. જેને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેવું એસીપી વિનય શુક્લએ જણાવ્યું હતું.

જો કે આ નિર્ણય સામે સુરતીલાલાઓમા રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, સરકારે પતંગના દોરાથી ઘવાતા અબોલ પશુ-પક્ષીઓ માટે કરુણા અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત ૧૪ સેવાભાવી સંસ્થા, નવ પશુ આરોગ્ય કેન્દ્ર, ૧૨ પ્રાથમિક કેન્દ્ર અને સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહેશે. જો આ સમયગાળા દરમિયાન કોઇ પણ શખ્સ પતંગ ચગાવતો હશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleરાહુલ ગાંધીને મારા પર ભરોસો, જોઈએ તે જવાબદારી આપશે : અલ્પેશ ઠાકોર
Next articleજૂનાગઢ : ગુજરાતમાં મિની કુંભ મેળાનું થશે આયોજન, રાજ્ય સરકારે ૧૫ કરોડ રુપિયા ફાળવ્યા