ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ટીવી શો ’કોફી વીથ કરન’માં મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયો છે. આ મામલો શાંત નથી થયો ત્યારે બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘનો એક જૂનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંઘ અને અનુષ્કા શર્મા ’કોફી વીથ કરણ’માં નજરે પડી રહ્યા છે.
સામે આવેલી એક વીડિયો ક્લિપમાં રણવીર સિંઘ તેની સાથે શોમાં ભાગ લઈ રહેલી અનુષ્કા શર્મા અંગે બીભત્સ કોમેન્ટ કરે છે. આવી કોમેન્ટ સાંભળીને અનુષ્કાને આઘાત લાગે છે, તેમજ તેણી રણવીર સિંઘ તરફ પોતાનો અણગમો બતાવીને તેની સાથે આવી રીતે વાત નહીં કરવા કહી રહી છે.
અન્ય એક ક્લિપમાં રણવીર સિંઘ જણાવી રહ્યો છે કે, તે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના સૌદર્યથી ખૂબ જ અભિભૂત હતો. ક્લિપમાં રણવીર સિંઘ કહી રહ્યો છે કે, તેણી જ્યારે ક્લબમાં સ્વિમિંગ માટે આવતી હતી ત્યારે તે તેને જોતો હતો. રણવીર કહે છે કે બાળપણથી યુવાની સુધી તેણે આવી જ રીતે કરીનાને જોઈ હતી.
રણવીર સિંઘની આવી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેનાથી નારાજ થયા છે. આ મામલે યૂઝર્સ રણવીરની આ ક્લિપિંગ્સ શેર કરીને તેના પર આકરી ટિપ્પણી પણ કરી રહ્યા છે.