ચૂંટણી પ્રચાર શાંત : ઉમેદવારો દિવસભર પ્રચારમાં વ્યસ્ત રહ્યાં

941
bvn8122017-10.jpg

વિધાનસભાની ચૂંટણી ર૦૧૭માં આજરોજ અંતિમ દિવસે ચૂંટણી લડી રહેલ તમામ ઉમેદવારો, સમર્થકો દ્વારા પુરા વેગ સાથે વહેલી સવારથી શરૂ કરી સાંજના પ કલાક સુધી વેગીલો પ્રચાર કર્યો હતો. પાંચ વાગ્યા બાદ ચૂંટણી કાર્યાલયો પર સમર્થકો, પક્ષના કાર્યકરોની મોટીસંખ્યામાં ભીડ એકઠી થવા પામી હતી.
ભાવનગર શહેર તથા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી ર૦૧૭માં કુલ ૭ બેઠકો પર તા.૯-૧રને શનિવારના રોજ યોજાનાર મતદાન સંદર્ભે આજરોજ સાંજે પ કલાકે ચૂંટણી પ્રચાર બંધ કર્યો હતો. તમામ ઉમેદવારોએ વહેલી સવારથી જ પોતાના સમર્થકો સાથે પોતપોતાના મતક્ષેત્રોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય રાજકિય પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો દ્વારા અનેક રેલીઓ, જાહેર સભાઓ યોજવામાં આવી હતી તથા સાંજે પ વાગે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો, કાર્યકરો સાથે ચૂંટણી કાર્યાલયો પર પહોંચ્યા હતા જ્યાં ગ્રુપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન આડે એક દિવસ બાકી છે ત્યારે મુખ્ય પક્ષોના ઉમેદવારો દ્વારા આ તકનો પણ ભરપુર ઉપયોગ કરી લેવા ઈચ્છે છે. જેને લઈને ચૂંટણીના એક દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર લોકોને રૂબરૂ મળી પોતાની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરશે. આમ છેલ્લે છેલ્લે પણ ઉમેદવારો એક-એક મિનીટનો ઉપયોગ કરી લેવા માંગતા હોય તેવું જણાઈ રહ્યું છે.

લગ્ન પ્રસંગો ઉમેદવારોને ઉપયોગી નિવડ્યા
વિધાનસભાની ચૂંટણી સાથોસાથ શિયાળુ લગ્નગાળાની મોસમ પણ પુરબહારમાં ખીલી હોય આવા લગ્ન સમારંભો ઉમેદવારો માટે ખુબ ઉપયોગી થઈ પડ્યા હતા. મતક્ષેત્રોમાં જે ઉમેદવારોને લગ્ન પ્રસંગે આમંત્રણ મળ્યું હોય એવા સ્થળો પર ઉમેદવારો પોતાના સમર્થકોની ટીમ સાથે પહોંચી જે વ્યક્તિના ઘરે લગ્ન અથવા શુભ માંગલિક પ્રસંગ હોય તે વ્યક્તિ પોતાનો નજીકનો આત્મજ હોય એવો ભાવ ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો. પ્રસંગમાં આવેલ લોકો પાસે પોતાનો પ્રચાર પ્રસાર કરી ફોટા પડાવ્યા હતા અને ખાસ વિનંતીઓ પણ કરી હતી કે મત પોતાને આપે…!

Previous articleભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે ૧૬,રપ,૮પર લોકો મતદાન કરશે
Next articleભાજપાના રાજમાં ગુજરાત કરફ્યુમુક્ત : અમિત શાહ