ભાવનગર શહેરમાં સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં નવનિર્મિત ઈન્ડોર સ્ટેડીયમ ખાતે ૬૯મી સિનિયર નેેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ જેમાં આજે અંતિમ દિવસે રમાયેલી ફાઈનલમાં મેન્સમાં પંજાબ, અને વુમન્સમાં રેલ્વે ચેમ્પીયન બન્યુ હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ અને પ્રાઈઝ વિતરણ સમારોહ યોજાયો હતો.
ગુજરાત બાસ્કેટબોલ એસોસીએશન અને ભાવનગર ભાવનગર બાસ્કેટબોલ એસોસીએશનના યજમાન પદે તા.૫ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દેશભરના વિવિધ રાજ્યોની ૬૦ જેટલી ટીમના ૯૦૦ ઉપરાંત ખેલાડી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેની આજે ફાઈનલ મેચ રમાયેલ જેમાં મેન્સમાં આજે પંજાબ અને તામિલનાડુ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબનો વિજય થયો હતો જ્યારે વુમન્સમાં રેલ્વે અને તામીલનાડુ વચ્ચે રમાયેલી ફાઈનલમાં રેલ્વેનો વિજય થયો હતો. આમ મેન્સમાં પંજાબ અને વુમન્સમાં રેલ્વેની ટીમ ચેમ્પીયન બની હતી. નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતીમાં યોજાયો હતો જેમાં ચેમ્પિયન ટિમોને ૨.૫૦ લાખ રનર્સઅપને ૧.૫૦ લાખ અને ત્રીજા નંબરે આવેલી ટીમને ૧ લાખના રોકડ પુરસ્કાર તથા મેડલ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર ઓફ વુમન પુષ્પાને તેમજ બેસ્ટ પ્લેયર ઓફ મેન અમરિતપાલસિંઘને જાહેર કરાયા હતા. સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.