સતત ઠંડી રહેવાના કારણે નિષ્ક્રિય થયેલાં સ્વાઇનફલૂના અતિચેપી અને જીવલેણ વાયરસ ફરીથી સક્રિય થયા છે. ત્યારે અગાઉ દહેગામમાં એક બાળકીના મોત બાદ ગઇકાલે જિલ્લાનો ત્રીજો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે. સુઘડનો ૨૪ વર્ષિય યુવાન સ્વાઇનફલૂમાં સંપડાયો છે. કેસ વધવાથી આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. તબીબોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
સમગ્ર રાજ્યમાં સ્વાઇનફૂલના અતિચેપી અને જીવલેણ વાયરસ સક્રીય થયા છે. જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને પણ સજ્જ કરી દેવામાં આવી છે. તે વચ્ચે દહેગામની બાળકીનું પાંચ દિવસ અગાઉ સ્વાઇનફૂલથી મોત નિપજ્યું હતું.
ત્યારે દહેગામના ૪૫ વર્ષિય મહિલા પણ સ્વાઇનફલૂ પોઝિટિવ આવ્યા હતા. તે દરમિયાન ગાંધીનગર શહેરના સેક્ટર-૮માં રહેતા આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારી પણ સ્વાઇનફલૂમાં સપડાયા છે. તેમની સારવાર તેમના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે.
જ્યારે સુઘડ પંથકમાં રહેતાં ૨૪ વર્ષિય યુવાન પણ સ્વાઇનફલૂનો ભોગ બન્યો છે. આ યુવાનને છેલ્લા ઘણા વખતથી ગળામાં તકલીફ તેમજ શરદી-ઉધરસ અને તાવ અને કફની બિમારી હતી.
આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તબીબો દ્વારા તનો એચવનએનવન રીપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને ગાંધીનગર નજીકની ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર સઘન કરી દેવામાં આવી છે.
તો બીજી બાજુ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ઘરના સભ્યો તેમજ રહેણાંક વિસ્તારની આસપાસ પણ આરોગ્ય વિભાગે સર્વેલન્સ કર્યું છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઠંડીને લઇને આ જીવલેણ વાયરસ વક્રી શકે છે અને રોગચાળાનું રૃપપણ ધારણ કરી શકે છે. જેના કારણે આરોગ્ય તંત્રને પણ સતર્ક કરવામાં આવી રહ્યું છે.