બનાસકાંઠા વનવિભાગ હેઠળના જાસોર જંગલ વિસ્તારમાંથી રીંછ નજીકના શેરગઢ ગામમાં બે દિવસથી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ઉભો થયો છે. રાત્રિ દરમિયાન નજીકમાં આવેલ જંગલમાંથી ગામમાં આવેલ દૂધ ડેરી નજીક આવેલું રીંછ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. બીજા દિવસે પણ આજ રીંછ ફરી ગામમાં દેખાયા બાદ પણ જંગલખાતુ હજીસુધી અજાણ છે. જેના લીધે જેસોર જંગલવિસ્તાર નજીકના શેરગઢ ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે રીંછનો ફફડાટ ઉભો થયો છે. ગત દિવસોની રાત્રિના સમયે રીંછ ગામની દૂધ ડેરી સુધી આવી ગયું હતું અને ઝાડ પર ચડવાની કોશિશ કરી હતી. જે સમગ્ર ઘટના દૂધ ડેરીમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને રાત્રી બાદ રીંછ પાછુ જંગલમાં જતુ રહ્યુ ંહતું. અગાઉ રીંછે ડેરી ગામમાં લીંબડાના ઝાડ પર ચડી ગયું હતું. જે બાદ ગામલોકો અને જંગલખાતાના અધિકારીઓએ રીંછને દેશી રેસ્ક્યુ કરી જંગલમાં ભગાડી દીધું હતું. જ્યારે ફરી શેરગઢ ગામ નજીક હોવાથી રાત્રીના સમયે બે દિવસથી રીંછ દેખાતા ખેડૂત હવે રાત્રીના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે. જેસોર રેન્જના જંગલ વિસ્તારની ફરતે કોઈ ફેન્સીંગ નથી અને જંગલ નજીક ખેડૂતો ખેતીકામ પણ કરતા હોય છે. આથી અચાનક રીંછ આવી જાય અને હૂમલો કરી જાય તેવી બીકમાં આવી ગયા છે.
તાલુકાના આંતરિયાળ ગામમાં અવાર-નવાર જંગલી પ્રાણીો રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવતા હોય છે ત્યારે ગતરોજ દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે રાત્રીના સમયે દૂધ ડેરીના સીસીટીવી કેમેરામાં રીંછ આવવાની ઘટના કેદ થઈ હતી. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોમાં ભય ફેલાયો હતો.