અમદાવાદમાં ઉતરાયણની મોજ બાદ દારૂની મહેફીલ માણતા ૨૫થી વધુ યુવક યુવતીઓ ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે આ તમામ આરોપીઓને બ્રેથ એણેલાઇઝર વડે ચેક કર્યા હતા. જેમા ફક્ત બે યુવતીઓ અને ત્રણ યુવક જ નશાની હાલતમાં હોવાનુ બહાર આવ્યુ હતુ. વસ્ત્રાપુર પોલીસની કામગીરીથી લોકોમા સેટિંગનો ગણગણાટ શરૂ થયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ગુરુકુળ પાર્કના એ વિંગમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી યુવક યુવતીઓ ઉતરાયણમાં પતંગ ઉડાવ્યા અને ડીજેના તાલે નાચ્યા હતા. અંદાજે પચાસથી વધુ અભ્યાસ કરતા યુવક-યુવતીઓ આ ઉતરાયણમાં આનંદ લેવા એકઠા થયા હતા. આ ફ્લેટમાં ગુરુપ્રીત અને મણિલાલ પણ રહેતા હતા જેનો એક ફ્લેટ છે. તેઓએ દારૂ પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. દારૂ પાર્ટીમાં અંદાજે પચીસ જેટલા યુવક યુવતીઓએ સેવન કરવાનું શરૂ કર્યુ ત્યાં જ પોલીસ રંગમાં ભંગ પાડવા પહોચી ગઈ હતી. પોલીસે આ તમામ ૨૫ જેટલા યુવકને પોલીસ સ્ટેશન લાવીને બ્રેથ એણેલાઇઝર દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમા ફક્ત બે યુવતીઓ અને ત્રણ યુવકો જ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ લાગ્વગના ફોન અને મોટી મોટી ગાડીઓ પોલીસ સ્ટેશનની બહાર આવવાનું શરૂ થયુ હતુ. આ તમામની વચ્ચે પોલીસે પાંચ આરોપીઓએ દારૂનો નશો કર્યો હોવાનુ સાબિત કરી ફરિયાદ કરી હતી. મણિલાલ પાસે દારૂ પીવાનો પરવાનો છે. પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે કે આ દારૂનો સપ્લાય કોણે કર્યો હતો અને કોણે મંગાવ્યો હતો.