મકરસંક્રાંતિ પર્વની ઉજવણી દરમ્યાન પતંગનો દોરો ગળામાં આવી જતા ગળા કપાતા મહુવામાં બે માસુમ બાળકોનાં મોત થયા હતા જ્યારે ભાવનગરનાં ચિત્રા વિસ્તારનાં યુવાનને ગળામાં દોરી ફસાતા ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયો હતો. વહીવટી તંત્ર પોલીસ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેરમાં કે રસ્તા ઉપર પતંગ ન ચગાવવા તેમજ લોકોએ પણ સલામતી જાળવવા ચેતવણીઓ આપવા છતા પતંગની દોરી ગળામાં ફસાવાનાં અસંખ્ય બનાવો બન્યા હતા જેમા મહુવાનાં ગાંધીધામ પાછળ રહેતા સહદેવભાઈ જાદવ ગઈકાલે તેનાં મોટર સાયકલ પર પરિવાર સાથે પુત્રી પ્રિયા ઉ.વ.૫ને આગળ બેસાડી મહુવા તાલુકાનાં ડુંડાસ ગામે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે મહુવાનાં વી.ટી.નગરથી આગળ શ્રીજીનગર સોસાયટી પાસે અચાનક આવેલી પતંગની દોરી પ્રિયાનાં ગળામાં ફસાતા ગળુ કપાઈ જતા લોહીયાળ ઈજા થતા ઘટનાસ્થળે જ માસુમ બાળાનું મોત થયુ હતું. આ બનાવ બનતા પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરેલ. જ્યારે બીજા બનાવમાં મહુવા ખાતેની ગાયત્રી સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ભટ્ટ તેનાં ચાર વર્ષનાં માસુમ પુત્ર પૂરવને તેનાં મોટર સાયકલનાં આગળ બેસાડી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પતંગનો દોરો આવતા આગળ બેઠેલા પૂરવનાં ગળામાં ફસાતા તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતું.
આ ઉપરાંત શહેરનાં ચિત્રા વિસ્તારમાં તપોવન સોસાયટીમાં પ્લોટ નં.૧૦માં રહેતા વિરેન્દ્રભાઈ એમ. ચૌધરી ઉ.વ.૩૪ને ગળાનાં ભાગે પતંગની દોરી વીટળાઈ જતા લોહીયાળ ઈજા થતા તેને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ ઉપરાંત અનેક લોકોને પતંગનાં દોરાથી નાની મોટી ઈજાઓ થવા પામી હતી.