કર્ણાટકમાં રાજકીય કટોકટી ગંભીર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. મંગળવારના દિવસે બે અપક્ષ ધારાસભ્યોએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને સમર્થન પરત ખેંચી લેતા રાજકીય ગરમી વધી ગઈ છે. બીજી બાજુ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, અપક્ષો બાદ કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ છાવણી બદલવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યો રાજીનામુ આપે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે પોત પોતાની છાવણીમાંથી સભ્યોને રોકવા માટે તમામ પ્રયાસો જારી રાખ્યા છે. યેદીયુરપ્પાના આંતરિક વર્તુળોમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, પાર્ટી પહેલાથી જ કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોના સંપર્કમાં છે અને તે ચારથી પાંચ અન્ય ધારાસભ્યોના ટેકાની રાહ જોઈ રહી છે. આ વખતે ચોક્કસપણે સારા પરિણામ મળશે. આવી સ્થિતિમાં ભાજપ ચોક્કસપણે કર્ણાટકમાં નવી સરકાર બનાવી લેવામાં અથવા તો લોકસભાની સાથે સાથે રાજ્યવિધાનસભાની ચૂંટણી મધ્યસત્રમાં યોજવા માટે ફરજ પાડશે. કુમારસ્વામીએ કહ્યું છે કે, પાર્ટી મજબૂતી સાથે આગળ વધી રહી છે. કર્ણાટક સંકટ વચ્ચે એકબાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપના ધારાસભ્યોની ખરીદી વેચાણની પ્રક્રિયાને લઇને આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવકુમારે કહ્યું છે કે, સરકાર સામે કોઇ ખતરો નથી. કોંગ્રેસી નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી ઝમીર અહેમદે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમની પાર્ટીના કોઇ ધારાસભ્ય અન્ય પાર્ટીમાં જશે નહીં. પાર્ટીના ચારથી પાંચ ધારાસભ્ય મુંબઈમાં છે. તેમને ખરીદવાના પ્રયાસ થશે તો અમે શાંત રહીશું નથી. ભાજપને ચારથી પાંચ ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપના ટોપના નેતાઓ પોતાના સભ્યોને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે.
જો કે બંને પાર્ટીમાં ભંગાણની શક્યતા છે. કર્ણાટક વિધાનસભામાં કટોકટીને લઇને તમામ પાર્ટીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. એકબાજુ ભાજપના ધારાસભ્ય હરિયાણાના ગુરુગ્રામમાં રોકાયેલા છે જ્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને મુંબઈ લઇને પહોંચી ચુકી છે. આ રીતે કર્ણાટકના રાજકીય નાટકમાં વળાંક આવી રહ્યા છે.
ભાજપ દ્વારા કુમારસ્વામી સરકારને ગબડાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ એવી અટકળો પણ છે કે, જેડીએસના કેટલાક ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરવા કોંગ્રેસ અને જેડીએસના લોકો પણ પ્રયાસમાં છે. સરકાર બની શકે તે માટે પ્રયાસ ભાજપ દ્વારા પણ થઇ રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક સભ્યોને પોતાની તરફેણમાં કરવા ભાજપના પ્રયાસ ચાલી રહ્યા છે. કર્ણાટકમાં વર્તમાન રાજકીય ગણિત ખુબ રોચક છે. બહુમતિ માટે ૧૧૩ સભ્યોની જરૂર છે. કોંગ્રેસ અને જેડીએસની પાસે કુલ ૧૧૬ સભ્યો છે. વિધાનસભામાં કુલ ૨૨૪ સભ્યો છે. ભાજપ પાસે ૧૦૪, કોંગ્રેસ પાસે ૭૮, જેડીએસ પાસે ૩૮ સભ્યો છે. પાર્ટીના કુલ ધારાસભ્યો અને સાંસદોના ઓછામાં ઓછા બે તૃતિયાંશ ધારાસભ્યો અને સાંસદો જરૂરી છે. સ્પીકરની ભૂમિકા પણ નિર્ણાયક રહી શકે છે. કોંગ્રેસના ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યો આવનાર દિવસોમાં રાજીનામુ આપી શકે છે. જો કે, આવી સ્થિતિમાં સ્પીકરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.