મકરસંક્રાંતિને કાઠિયવાડી ભાષામાં ખીહર કહે છે. આ પાવન પર્વ પર ગાય, સાધુ- બ્રાહ્મણ અને દિકરીઓને દાન દેવાનો મહિમા છે.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં અયોધ્યા ખાતે ગણિકાને કેન્દ્રમાં રાખીને બાપુ દ્વારા રામકથાનું ગાન થયું હતું. કોઈપણ કારણોસર દેહ વ્યાપારમાં ધકેલાઈ ગયેલી દિકરીઓ તરફ સમાજ સંવેદનશીલ બને અને તેઓ ભલે ઉપેક્ષિત છે. છતાં અપેક્ષિતા પણ છે, માત્ર કલંકિની નથી, મંદાકિની બનવા ઈચ્છતી માતા છે, તિરસ્કૃતા છે જે સ્વીકૃતા બનવા ઈચ્છે છે, ગણિકા જ માત્ર નથી, ગુણિકા પણ છે. એવો સાધુ સંદેશ વિશ્વમાં પ્રસરાવવાની આવકાર દાયક પહેલ બાપુએ કરી છે.
આ સંદર્ભમાં બાપુની અપીલના પ્રતિસાદ રૂપે અને બાપુ દ્વારા સૌપ્રથમ અર્પણ થયેલા તુલસીપત્ર રૂપી ૧૧ લાખ પાછળ વિશ્વભરમાંથી આજ સુધીમા ગણિકા કલ્યાણ ફંડમાં કુલ ૬,૯ર,૬૮,૬પપ રૂા. છ કરોડ બાણુ લાખ અડસઢ હજાર છસ્સો પંચાવન રૂપિયાની ધનરાશિ આજે તા. ૧૯-૧-૧૯ના પ્રભો ગણિકાઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓને ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે અર્પણ કરવામાં આવી. આ નિમિત્તે જાણે ખીહરનો ખીચડો લેવા બાપના ઘરે દિકરીઓનું આગમન થયું. સુરત, રાજકોટ, મુંબઈ, આગ્રા, કાનપુર, કોલકતા, ગ્વાલિયર, લખનૌ, ઉનાવ (યુ.પી.) વગેરે સ્થાનો પરથી ૪૦ જેટલી ગણિકા બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહી.
કાર્યક્રમના પ્રારંભ પહેલા બાપુએ પોતાના માટે ચા બનાવવા એક ગણિકા દિકરીને જણાવ્યું. પોતાને મળેલ આ સન્માનથી ગણિકા બહેનોની આંખમાં પ્રેકટેલ હર્ષાશ્રુને ઉપસ્થિત પત્રકાર મિત્રો, સાહિત્યકારો તથા સહુ ભાવકોએ સંવેદના સભર તાળીઓથી વધાવ્યા. આ પ્રસંગે નગીનદાસ બાપા, સૌરભ શાહ, જય વસાવડા,કાજલ ઓઝા વૈદ્ય, ભદ્રાયુ વચ્છરાજાની, નીતિન વડગામા, માધવ રામાનુજ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી. વેદમંત્ર પછી એક ગણિકાબહેન દ્વારા સત્યમ્, શિવમ્, સુદરમ્ ગીત ગાયું ત્યારબાદ ગણીકાઓના એક ગ્રુપ દ્વારા ઈતની શક્તિ હમેં દેના દાતાનું ગાન થયું. ઉદ્દઘોષક હરિશ્ચજીભાઈ જોષીએ સંવેદનાસભર આ કાર્યક્રમની પુર્વભુમિકા બાંધતા કહ્યું કે બાપુનો સ્વાભાવ જ સર્વના સ્વીકારનો છે.
ઉપરોકત ફંડમાંથી વધેલા ૪૪ લાખ કુંભકથા દરમ્યાન અથવા તે પહેલા કોઈ પણ ચાર સેવા સંસ્થાઓને (આ કાર્યમા જોડાયેલી) ૧૧-૧૧ લાખ ધનરાશિ વિતરિત કરી દેવામાં આવશે.
આ પ્રસંગે સજળને બાપુએ વિનયપત્રિકાના પદને ટાંકતા કહ્યું કે હે પરમાત્મા તારા ચરણ છોડીને કયા જાઉ ? તુલસી કહે છે આ સંસારમાં પતિત પાવન અને જેને દીન-હીન પ્રિય છે. એવા એક માત્ર પરમાત્મા છે. બાકી દેવ, મુનિ, નર, નાગ, સૌ બિચારા છે. કારણ કે સહુ માયાથી વિવશ છે.
બાપુએ કહ્યું કે જે સ્વયં ધર્મ, અર્થ કે કામથી મુક્ત નથી તે કહી મુક્ત થઈ શકતા નથી કે અન્યને મુક્ત કરી શકતા નથી. પ્રભુ એક જ પરમમુક્ત છે અને સહુને મુક્ત કરી શકે છે. કેવળ, કેવળ અને કેવળ કોઈ પરમતત્વની પ્રેરણાથી પોતે આ વિકલ્પ મુક્ત સંકલ્પ કેરલો જે આજે અહીં ચિત્રકુટ ધામમા, હનુમાનજી સમક્ષ પુર્ણ થાય છે. કોઈ એને આગળ વધારશે પોતાને ગમશે એવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી.
સાધુના બાળક તરીકેની પોતાની સજળ પ્રસન્નતા વ્યક્ત કરી, બાપુએ કહ્યું કે મારી સાથે કોઈ ન આવે તો હું એકલો જ જવા વાળો છું. બાપુએ કહ્યું કે આ પ્રભુ પ્રેરિત, વિકલ્પ મુક્ત સંકલ્પ હતો પણ એમાં કોઈએ લખીને, કોઈએ બોલીને, કોઈએ અબોલ રહીને પોતાને આ સંકલ્પમાં બળ આપ્યું છે. તેમણે કહ્યું કે પોતે આજે સમાજના પ્રતિનિધિના રૂપમાં અહીં ઉભા છે. સમગ્ર વિશ્વની માનવતાના પ્રતિનિધિ રૂપે આજે આ તેમનું કુંભસ્નાન છે.
તેમણે ભાવાર્થ હૈયે કહ્યું કે આ ગણિકાઓ પણ કોઈબ ાપની દિકરીઓ છે. કદાચ તેમને ખબર પણ નથી કે તેમનો બાપ કોણ છે પણ આ બધી જ દિકરીઓ – વિશ્વની તમામ કન્યાઓ મારા માટે સત્ય છે. મજબુરી કે મહોબ્બત કોઈ પણ રીતે પ્રેમ કરનારી આ બેટીઓ મારા માટે પ્રેમ છે, અને આ ગણિકા માતાઓ મારે માટે કરૂણા છે. આમ સત્ય, પ્રેમ અને કુરબાની ત્રિવેણી અહીં છે. તેથી આ મારૂં કુંભસ્નાન છે.
બાપુએ કહ્યું કે તમારા બાપ વિષે તમે કોઈ નામ ન દઈ શકો તો કહેતો કે અમે તલગાજરડાની દિકરીઓ છીએ. આપ સહુનો બાપ અહીં બેઠો છે. દરેક વર્ષે તમે યોગ્ય પાત્ર નક્કી કરીને અહીં આવજો, તમારૂ કન્યાદાન હું કરીશ.
આ બહેન-બેટીઓ માટે કામ કરતી સંસ્થાઓને બાપુએ કહ્યું કે આ રાશિની પાઈ પાઈ આ લોકોના કલ્યાણ માટે ખર્ચાય તે જોજો. આ ધનરાશિમાં જેમણે પ્રત્યક્ષ – પરોક્ષ યોગદાન આપયું તે સહુને બાપુએ સાધુવાદ આપ્યા. બાપુએ ગણિકા બહેનોને કહ્યું કે તમને જયારે પણ મન થાય ત્યારે ગુરૂકુળમાં આવજો. તમારા બાપ તરીકે હુ કયાંય જો પાછો પડું તો હું સગાધિ લઈ લઈશ.
પડકાર મિત્રો અને મીડીયા જગતને અભિનંદન આપતા બાપુએ જણાવ્યું કે આ તો પ્રભુ કાર્ય છે આના પ્રચારની કોઈ જરૂર ન હોય પણ આ ધનરાશિનો યોગ્ય ઉપયોગ થયો છે. તે સહુને જાણ થાય એટલા માટે આ ઔપચારિકતા જરૂરી છે. બાપુએ કહ્યું કે હું ધર્માચાર્ય નથી, નથી તે નથી. હું ધર્મ, અર્થ, કામનાઓ અને મુક્તિથી આબદ્ધ નથી. મારૂં વિચરણ ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્ છે. અર્થ સાથે અનર્થ આવે જ છે. પણ આ રાશિનું વિતરણ વિવેક બુદ્ધિથી થયું છે. એમાં કોઈ પક્ષપાત થયો નથી. આમાં કોઈ પોતાનું કે પારકું નથી.
અંતમાં પુરા સમાજને સંદેશ આપતા બાપુએ કહ્યું કે
અગર વો પુછે બે હમસેં કી કિસા બાતકા ગમ હૈ
તો દ્વાર કીસ બાતકા ગમ હૈ ? – અગર વો પુછલે હમસે
સમાજનો ઉપેક્ષિત, વંચિત, આખરી માનવી માત્ર એટલું જ ઈચ્છે છે કે કોઈ બેને પુછે તો ખરા કે એમને શું મુસીબત છે એટલું કોઈ પૂછે એ ય એમના માટે ઘણું મોટું આશ્વાસ હોય છે.
૧ર સંસ્થાઓને ચેક અપાયા
ગુરિયા સ્વયંસેવી સંસ્થાન – કોલકત્તા
દુર્બળ મહિલા સમન્વ્ય કમિટિ – મુંબઈ
એઈડ્ઝ પ્રીવેન્શન સોસાયટી – રાજકોટ
માનસ ફાઉન્ડેશન – વડોદરા
ફાઉન્ડેશન ફોર ચેઈન્જ મેનેજમેન્ટ – દિલ્હી
મુકુલ ટ્રસ્ટ, બારડોલી
આયુ ટ્રસ્ટ – અમદાવાદ
વિચરતા સમુદાય સમર્થન મંચ – અમદાવાદ
ક્રાંતિ ટ્રસ્ટ – મુંબઈ
કર કથા ટ્રસ્ટ – દિલ્હી
ન્યુ લાઈફ ટ્રસ્ટ – કોલકત્તા
રેસ્કયુ ફાઉન્ડેશન – મુંબઈ