ગુજરાતમાં ર૦૦૩ થી શરૂ થયેલા વાયબ્રન્ટ વખતે તજજ્ઞોએ તેને સપનાના વાવેતર ગણાવ્યા હતા. જે વાત લગભગ સાચી પડતી લાગી રહી છે. સામાન્ય રીતે રાજયમાં આવતાં રોકાણ જેટલું જ રોકાણ કરોડોના ખર્ચ બાદ જોવા મળી રહ્યું છે.
મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી ત્રણ દિવસ વાઇબ્રન્ટ ગુજરાતની નવમી ગ્લોબલ સમિટ યોજાશે. ૨૦૦૩થી ૨૦૧૭ સુધીની આઠ સમિટમાં વિવિધ સરકારી જાહેરાતોના સરવાળા મુજબ અંદાજે ૮૫ લાખ કરોડનું રોકાણ થયું છે. પણ ખરેખર કેટલું રોકાણ થયુંં? તેનો કોઇ ચોક્કસ આંકડો સરકાર પાસે નથી. રોકાણ અંગેની કામગીરી સંભાળતા ઉદ્યોગ કમિશનરની ઓફિસ પણ રોકાણના આંકડાઓ જાહેર કરવાથી દૂર ભાગે છે. પણ ઉદ્યોગ કમિશનરની વેબસાઇટ મુજબ રાજ્યમાં અત્યાર સુધીના પ્રોજેક્ટ્સમાં માત્ર ૧૧ લાખ કરોડનું રોકાણ થયું શુક્રવારથી શરૂ થઈ રહેલી નવમી સમિટ દરમ્યાન મંચ પરથી ગુજરાતમાં રોકાણની મોટી જાહેરાતો સાંભળવા મળશે નહીં એવી સંભાવના છે. સરકાર હવે વાઇબ્રન્ટને આંકડાઓથી પર માને છે. સરકારનું કહેવું છે કે આ સમિટ હવે રોકાણ પૂરતી નહીં પણ ઉદ્યોગજગત માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિઓ આવે છે અને રોકાણની મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાતોમાંથી ખરેખર કેટલું રોકાણ થઇ ગયું અને કંપનીઓનું પ્લાનિંગ શું છે? આ સવાલનો જવાબ ઉદ્યોગ કમિશનર કચેરી પાસે પણ નથી. તેમનું કહેવું છે કે ખરેખર કેટલું કામ થયું કે રાકોણ થયું એ તો કંપની જ કહી શકે. જો કંપની પ્રોગ્રેસ અંગેની જાણકારી વેબસાઇટમાં અપડેટ કરતી રહે તે જ અમને ખબર પડે. કંપનીઓ નિયમિત અપડેટ કરે છે કે નહીં એની પણ કોઇ જાણકારી નથી.
ઉદ્યોગ કમિશ્નરની કચેરી હવે વાઇબ્રન્ટ સમિટમાં થયેલા રોકાણના આંકડાઓની વિગતો પણ આપતી નથી. છેલ્લી ત્રણ સમિટની માહિતીમાં તેમણે કમિશન્ડ થયેલા પ્રોજેક્ટ્સ, અમલીકરણ હેઠળના પ્રોજેક્ટ્સ, ડ્રોપ થયેલા પ્રોજેક્ટ્સ, રોજગારીના આંકડા એક ટેબલમાં આપી દીધા હતા. પણ એક્ચ્યુઅલ રોકાણની રકમનો કોઇપણ ઉલ્લેખ આ વિગતોમાં ના રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઉદ્યોગ વિભાગે કરેલા દાવા મુજબ, છેલ્લી ત્રણ વાઇબ્રન્ટ સમિટમાં ૭૦ ટકા સફળતા મળી છે. ૨૦૦૩-૨૦૧૭ સુધી ૮ સિઝનમાં કુલ ૭૬૫૧૨ પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. થયા. ૫૦ હજાર પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થયું,૧૭ લાખ નોકરીઓ આ પ્રોજેક્ટ્સ દ્વારા જનરેટ કરાઈ છે. રિલાયન્સે ૧ લાખ કરોડ, અદાણીએ ૫૦ હજાર કરોડ અને એસ્સારે ૧ લાખ કરોડના રોકાણની જાહેરાત વાયબ્રન્ટમાં કરી હતી. પણ તેમાંથી એક્ચ્યુલ રોકાણ કેટલું થયું એ વિશે સરકાર પાસે કોઈ વિગત નથી.