પત્રકાર મર્ડર કેસ : રામ રહીમને આજીવન કેદ

805

સાધ્વીના યૌન શોષણના મામલામાં સોનારિયા જેલમાં હવા ખાઈ રહેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને હવે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કાંડમાં સીબીઆઈની ખાસ અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારતા કોર્ટમાં સોપો પડી ગયો હતો. ૧૬ વર્ષ જુના મામલામાં કોર્ટે ગુરમિત રામરહીમને આજીવન કેસની સજા ફટકારી હતી. અન્ય ત્રણ અપરાધીઓ કુલદીપસિંહ, નિર્મલસિંહ અને કૃષ્ણલાલને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત તમામ ઉપર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ લાગૂ કરવામાં આવ્યો હતો. હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલી અરજી બાદ સજાની જાહેરાત પણ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જ કરવામાં આવી હતી. સજાની જાહેરાત પહેલા સીબીઆઈએ કોર્ટ સમક્ષ ગુરમિત રામરહીમને ફાંસી આપવાની માંગ કરી હતી. હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામરહીમને કોર્ટે ૧૧મી જાન્યુઆરીના દિવસે દોષિત ઠેરવ્યો હતો. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કર્યો હતો. પંચકુલા સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ રામરહીમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૧૬ વર્ષ જુના આ મામલામાં રામરહીમ સહિત ચાર અપરાધીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ રામરહીમ અને બાકીના દોષિતોને સજાને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  સવારથી જ આ કેસમાં સજા ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી.

ખાસ કરીને ગુરમિત રામરહીમના સમર્થકોમાં ઉત્તેજના વધારે હતી. સુનાવણીથી પહેલા પંચકુલામાં સીબીઆઈની ખાસ અદાલતમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. જાતિય સતામણીના કેસમાં રામરહીમને અગાઉ સજા કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસાક ભડકી ઉઠી હતી જેને ધ્યાનમાં લઇને વહીવટીતંત્રએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. અગાઉ જ્યારે ગુરમિત રામરહીમને દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે રામરહીમને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મિડિયાને પણ તક આપવામાં આવી ન હતી. ખાસ અદાલતે રામરહીમ ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને દોષિત ગણ્યા હતા. કોર્ટ સંકુલની આસપાસ ૫૦૦ની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બેરીકેડિંગ કરવામાં આવી હતી. કોઇપણ લોકો એકત્રિત થઇ ન શકે તે માટે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. આજે પણ કલમ ૧૪૪ અમલી રાખવામાં આવી હતી. શાંતિ જાળવી રાખવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું. રામરહીમ સાથે જોડાયેલા નિર્ણયના પરિણામે હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. ગુરમિત રામ રહીમને વિડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરાયા હતા જ્યારે અન્યોને પ્રત્યક્ષરીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુરમિત રામરહીમ હાલમાં રોહતકની સોનારિયા જેમાં છે. રાજ્ય સરકારે સોનારિયા, ડેરાની ઓફિસ સિરસા અને પંચકુલામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પહેલા રામરહીમને ૧૧મી જાન્યુઆરીના દિવસે પ્રત્યક્ષરીતે કોર્ટમાં ઉપસ્થિ રહેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ તંગદિલીને ધ્યાનમાં લઇને આખરે હરિયાણા સરકારે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પગલા લેવામાં આવ્યા હતા. ગુરમિત રામરહીમને સાધ્વી શોષણના મામલામાં અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ પંચકુલા સહિત અનેક જગ્યાએ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. રમખાણ અને તોડફોડના બનાવો બન્યા હતા.

Previous articleમુંબઈમાં ડાન્સબારને સુપ્રીમની લીલીઝંડી
Next articleગાંધી આચાર અને નીતિ સદા સર્વદા લાઈવ