સેક્ટર ૩૦ પાસે ચેકિંગ પોઇન્ટ પર સ્ટેટેસ્ટિક સર્વેલન્સની ટીમને ભાજપનું ઢગલાબંધ સાહિત્ય મળી આવતાં તેને ગાડી સહિત જપ્ત કરીને પોલીસને સોંપી દેવાયું હતું. જો કે આ સાહિત્ય લઇને નીકળેલા મોટર ચાલકે જવાબમાં જણાવ્યુ હતું કે દહેગામમાં યોજાયેલી રેલી વખતે ઉપરોક્ત સાહિત્ય પક્ષ તરફથી તેના ભાઇ એવા તાલુકા ડેલિગેટને આપવામાં આવી હતી, જે પરત જમા કરાવવા તે જતા હતાં.
સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટામ નંબર ૨ના એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ જે જે સોલંકી અને તેની ટીમના માણસો વાહનોને તપાસી રહ્યા હતાં. તે દરમિયાન નીકળેલી ભાજપના સ્ટીકર મારેલી કારને રોકીને તેની તલાસી લેવાતા પ્રચાર સાહિત્ય મળી આવ્યુ હતું. ગાડી ચાલક ભીખુસિંહ ઝાલાએ જણાવ્યું કે ભાજપ દ્વારા ગત ૮મીએ દહેગામની રેલીના સબંધમાં તેના ભાઇ ભરતસિંહ કે જેઓ રખિયાલમાં ભાજપના તાલુકા ડેલિગેટ છે તેમણે સાહિત્ય આપ્યું હોવાનું જણાવ્યું છે.
ગાડીમાંથી ભાજપના ૪૦૦ બિલ્લા, ૨૩૯ પેમ્ફલેટ, ૬૭ નાની ખુલ્લી ટોપી, ૪૮ નાના સ્ટિકર, ૩૯ ચશ્મા, ૨૬ બલ્બ આકારનું સાહિત્ય, ૨૫ કોરી ડાયરી, ૨૪ બુકલેટ ચોપાનિયા, ૧૨ ભૂંગળા, ૭ ખેસ, ૬ નાના ઝંડા, ૫ વણથંભી વિકાસ યાત્રની બુક, ૩ તોરણ, ૨ મોટા સ્ટિકર સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી.