મોતીતળાવમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

2299

શહેરનાં કુંભારવાડા, મોતીતળાવ મેસ ફેકટરી કમ્પાઉન્ડમાં જે.જે. ટ્રેડર્સ નામના અલંગનાં માસ સામાનના ડેલામાં ગત તા.૧૨નાં રોજ મોડીરાત્રીનાં પતરા ખસેડી અંદર પ્રવેશી અજાણ્યા શખ્સો દ્વારા લોકરમાંથી રૂા.૨.૩૦ લાખની ચોરી કરી ગયાની બોરતળાવ પો.સ્ટે.માં નોંધાવેલી ફરિયાદનો ભેદ પોલીસે આજે ઉકેલી નાખ્યો હતો અને બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બોરતળાવ પો.સ્ટે. વિસ્તારની ચોરીનો ભેદ ઉકેલવા માટે મળેલી સુચનાથી બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સ્ટાફના ભીખુભાઈ બુકેરા તથા હિરેનભાઈ મહેતાને મળેલી બાતમીનાં આધારે કુંભારવાડા રામાપીરનાં મંદિર પાસે બે ઈસમો શંકાસ્પદ હાલતે ઉભા હોય બન્નેને પકડી નામ પુછતા શાહરૂખ ઉર્ફે કાચબો મહેબુબભાઈ પઠાણ ઉ.વ.૨૫ રહે આખલોલ જકાતનાકા તથા મહેબુબ અલીભાઈ જુણેજા ઉ.વ.૨૭ મોતીતળાવ શેરી નં.૬ હોવાનું જણાવેલ તેની પાસેથી રોકડ રકમ રૂા.૧.૪૭૦૦૦ મળી આવેલ.

આ ચોરી જે જે ટ્રેડર્સમાંથી કરી હોવાનું કબુલાત કરેલ અને તેમાં કાળુ હિંમતભાઈ ગોહેલ, અશોક ઉર્ફે દાઢી મંગાભાઈ ચૌહાણ તથા સાજીદ પણ સામેલ હોય પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ ત્રણ શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.

Previous articleપિરછલ્લા શેરી ખાતે આવેલી દુકાનમાં સવા લાખની તસ્કરી
Next articleજે હાર્દિક પંડ્યાને હું જાણતી હતી, તે આવો નહોતો : એલી અવરામ