શહેરના બોરતળાવ એ ભાવેણાનું જાજરમાન ઘરેણું ગણાય છે. પ્રત્યેક ભાવનગરી ગૌરીશંકર સરોવરને લઈને ગર્વ અનુભવે છે. પરંતુ આ સરોવરની યોગ્ય જાળવણી તથા રખરખાઉ રાખવામાં જવાબદાર તંત્ર ભોઠપ અનુભવી રહ્યું હોય તેવું વર્તમાન પરિસ્થિતિ પરથી ફલીત થાય છે. તળાવના પાણીમાં સાફ-સફાઈના સદંતર અભાવના કારણે પુષ્કળ માત્રામાં શેવાળ એકઠી થઈ છે અને અનેક પ્રકારનો કચરો એકત્ર થયો છે. પરિણામે સુંદર સરોવરની હાલત બદ્દસુરત થઈ ગઈ છે. અત્રે ફરવા આવતા અને મોર્નિંગ વોક માટે આવતા લોકો તળાવની દુર્દશા જોઈને ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. અત્રે નોંધનિય છે કે, શહેરની સ્વયંસેવી સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર તળાવની સાફસફાઈ હાથ ધરવામાં આવે છે. પરંતુ જેના શિરે આ તળાવની જવાબદારી છે એવા અધિકારીઓ દ્વારા જાળવણી તથા દેખરેખના પગલા લેવામાં ઉદાસીનતા દાખવતા થોડા જ દિવસોમાં પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. તો આ અંગે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે.