વિરોધીઓ અત્યારથી જ હારના બહાના શોધે છે : મોદી

481

૨૦૧૯ લોકસભા ચુંટણી માટે એકશન મોડમાં આવી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે વિપક્ષના લોકોએ ચુંટણીથી પહેલા જ પરાજય માટેના બહાના શોધવાની શરૂઆ કરી દીધી છે. આ લોકો અત્યારથી જ ઈવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવવા લાગી ગયા છે.એક દિવસ પહેલા જ શનિવારના દિવસે કોલકતામાં મમતા બેનર્જીના મંચ ઉપર એકત્રિત થયેલા વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે આ લોકોએ પણ ગઠબંધન કર્યું છે. અમે પણ ગઠબંધન કર્યું છે. વિરોધીઓએ દળોની સાથે ગઠબંધન કર્યા છે. જ્યારે અમે દેશની સવાસો કરોડ જનતાની સાથે ગઠબંધન કર્યા છે. કયા ગઠબંધનથી ફાયદો થશે તે બાબત લોકો સમજી શકે છે. મુંબઈમાં કોલાપુરના બુથ વર્કર્સ સાથે વાતચીતમાં મોદીએ ઈવીએમને લઈને ઉઠેલા પ્રશ્નો પર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ લોકો પહેલાથી જ હારને લઈને બહાના શોધવાની શરૂઆત કરી ચુક્યા છે.

ઈવીએમને વિલન બતાવવાની શરૂઆત કરી દીધી છે. સ્વાભાવિક છે કે દરેક રાજકીય પાર્ટી ચુંટણી જીતવા ઈચ્છુક હોય છે પરંતુ જ્યારે કેટલાક પક્ષોને પ્રજાનો આશિર્વાદ મળે છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. આવા લોકો જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં લાગી જાય છે. જેથી રંગ બદલવા લાગી જાય છે. આ ગાળા દરમિયાન મમતાની રેલી ઉપર પ્રશ્નો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે મમતાની રેલીમાં મંચ ઉપર ઉપસ્થિત રહેલા નેતાઓ પૈકી મોટાભાગના લોકો કોઈ મોટા નેતાના પુત્ર હતા. કેટલાક લોકો એવા પણ હતા જે પોતાના પુત્ર-પુત્રીઓને સેટ કરવામાં લાગેલા છે. તેમની પાસે ધન શક્તિ છે. જ્યારે અમારી પાસે જનશક્તિ રહેલી છે. મહાગઠબંધન ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે આ ગઠબંધન અનોખા બંધન તરીકે છે. આ બંધન નામદારોના બંધન તરીકે છે. આ બંધન ભાઈ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર, કૌભાંડો, નકારાત્મકતા અને અસમાનતાના ગઠબંધન છે. મોદીએ કહ્યું હતું કે વિપક્ષના લોકોને કોઈપણ સંસ્થા પર વિશ્વાસ નથી. જેથી બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસમાં લાગેલા છે. વિપક્ષના પ્રયાસને નકારાત્મકતા તરીકે દર્શાવીને મોદીએ કહ્યું હતું કે જે મંચથી આ લોકો લોકતંત્ર બચાવવાની વાત કરી રહ્યા છે ત્યાં જ એક નેતાએ બોફોર્સ કૌભાંડની યાદ પણ અપાવી દીધી છે. આખરે વાસ્તવિકતા સપાટી ઉપર આવી ગઈ છે. લોકશાહી જનતાદળના સ્થાપક અને વરિષ્ઠ નેતાઓ પૈકી એક રહેલા શરદ યાદવે રાફેલ પર મોદી સરકારને ઘેરવાની જગ્યાએ પોતાના ભાષણમાં બોફોર્સ કૌભાંડ ઉપર વાત લાગી ગયા હતા. જોકે મોડેથી તેમણે કહ્યું હતું કે રાફેલ મુદ્દા ઉપર તેઓ વાત કરી રહ્યા હતા. બીજી બાજુ ૧૦ ટકા અનામતના મુદ્દા ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે બંધારણીય સુધારા કાયદા મારફતે ૧૦ ટકા અનામતથી તકોના નવા દ્વાર ખુલશે. શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા સીટો વધી જશે. કોઈપણ પછાત, દલિત અને અનુસૂચિત જાતિના લોકોના અધિકારો આંચકી લેવામાં આવ્યા નથી.

આ પ્રસંગે ભાજપના કાર્યકરોની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે કાર્યકરોના સંઘર્ષ અને પાર્ટીને આગળ લઈ જવા માટે તેમના દિવસ રાત એક કરવાની પ્રક્રિયાથી સંતોષ થાય છે. ભાજપના કાર્યકરોમાં ઈમાનદારી અને કામ કરવાની ઉત્સુકતા ખૂબ જ છે. જેથી તેઓ કહેવા માંગે છે કે ભાજપ સંગઠન આધારિત રાજનીતિક આંદોલન છે. ભાજપના કાર્યકરોની ઓળખ માં ભારતીના લાલ તરીકે થાય છે.

Previous articleઆધારકાર્ડ પર નેપાળ-ભુટાન જઈ શકાશે
Next articleઅભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે આજે પોષ પૂર્ણિમા સ્નાન