રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે નવનિર્મિત વિશ્વકક્ષાના તિર્થધામ ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થતા તે નિમિતે યોજાયેલા ધાર્મિક અને ઓલ ઇન્ડીયા કન્વીનર મીટ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના સમારોહમાં પ્રેરક ઉદ્દ્બોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશ, રાજય અને વિવિધ સમાજો એક છે. સૌના સાથ સૌના વિકાસના મંત્રને મૂર્તિમંત કરવાનો સરકારનો અભિગમ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે વર્ગને અનામતનો લાભ નથી મળતો તેવા બિન અનામત વર્ગને અનામતનો લાભ મળે અને જે વર્ગને અનામતનો લાભ મળે છે તેને તે વર્ગ સાથે સમન્વય કરીને દુરંદર્શી વિચારથી દશ ટકા અનામત આપી છે. દશ ટકાના અનામતની અમલવારી દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં કરીને બધાને સમાન તક મળે, બધા સમાજનો વિકાસ સાથે મળીને થાય, કોઇ સમાજને અન્યાય ન થાય તેવો અભિગમ કેળવીને કરી છે. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ કહ્યું કે, મા ખોડલધામએ આપણા માટે આસ્થાનું કેન્દ્ર છે. બે વર્ષ પહેલા કાગવડમાં મા ખોડલની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી. માની આ ભૂમિમાં આપણું સંગઠન મજબુત બન્યું છે. ધાર્મિક ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય સહિતના ક્ષેત્રે પણ આ સમાજ દ્વારા વધુને વધુ પ્રગતિ થનાર છે. આ તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે કહ્યું હતું કે, ખોડલધામના માધ્યમથી નમૂનેદાર મંદિર આપણે સૌએ એક બની વિશ્વને અર્પણ કર્યું છે. ગુજરાત સરકારે ૨૦૧૪માં શક્તિવનનું નિર્માણ કર્યું અને ખોડલધામને જોડતા રસ્તાઓ પણ સુંદર બનાવી આપ્યા છે તે માટે અમે સરકારના આભારી છીએ. ખોડલધામમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય નેશનલ હાઇવેથી ખોડલધામને જોડતા એપ્રોચ રોડને ટુ વે લેન માર્ગ બનાવવાનું સુચન કર્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ ભાજ્પ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજને એક તાંતણે બાંધવાનું કામ ખૂબ મુશ્કેલ છે. એવામાં વિશાળ સમાજને એક કરવાનું કામ ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઇ પટેલ સહિતના સમાજશ્રેષ્ઠીઓ દ્વારા થયું છે. સંગઠનશક્તિનું કામ ખૂબ જ સફળતાપૂર્વક થયું છે.
આ પ્રસંગે ટ્રસ્ટીઓ દિનેશભાઇ કુંભાણી અને હંસરાજભાઇ ગજેરાએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કૃષિ, શિક્ષણ અને સમાજ ભવનના નિર્માણના કરાઇ રહેલા કાર્યોના પ્રકલ્પોની વિગતો આપી હતી.
આ કાર્યર્ક્મનું દીપ પ્રાગટ્ય ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નજીક વિશાળ શૈક્ષણિક સંકુલ, વિશ્વ કક્ષાનું કૃષિ માર્ગદર્શન કેન્દ્ર બનાવાશે અને સોમનાથ ખાતે અતિથિગૃહ બનાવાશે.
શૈલેષભાઇ શગપરીયાએ ખોડલધામ ટ્રસ્ટના મેનેજમેન્ટ અને સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની વિગતો આપેલ હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ચેરમેન નરેશભાઇ પટેલ, ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો દ્વારા શ્રી યંત્ર, હાર, સાલ અને ખોડલધામ મા નો ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભાઇ કથીરીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જસુબેન કોરાટ, જિલ્લા ભાજ્પ પ્રમુખ ડી.કે.સખિયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, પદાધિકારીઓ, અધિકારીઓ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઇ, બહેનો સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી ઉપસ્થિત રહ્યાં હતા.