ઓમ સેવાધામમાં વસતા નિરાધાર વડીલોનો સમુહ જન્મદિન ઉજવાયો

1303

શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામમાં વસતા નિરાધાર, નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા વડીલોનું તા.૧૯ના રોજ સમુહ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ સંસ્થામાં વસતા નિરાધાર વડીલો પાસે પોતાની જન્મ તારીખ કે સમય યાદ નથી અને પોતે પણ એવું ઈચ્છતા હોય છે કે, પોતાના જન્મદિવસની ઉજવણી શાનદાર રીતે થાય પરંતુ લાચાર હોવાથી આ ઉજવણી કરી શકતા નથી અને ભૂતકાળમાં પણ ક્યારેય ઉજવણી કરી નથી. આવા વડીલોને સહારામાં દિકરો કે દિકરી ભાગ્યમાં નથી તેવો વડીલો જ અહીં ઓમ સેવા ધામમાં જીવનપર્યંત ફી આશરે લઈ રહ્યાં છે માટે વડીલોને પોતાના જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને નવું જોમ મળી રહે તેવા આશ્રયથી સંસ્થા દ્વારા દરેક વડીલોને સમુહ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે વડીલો માટે ર૦ કિલોનું જમ્બો કેક બનાવી હતી અને ૯૭ વર્ષની ઉમરના મંગુમાએ કેક કાપી બર્થ-ડેની શાનદાર ઉજવણી કરી હતી તેમજ આ સમયે ગીત, સંગીત, ડાન્સ, નાટકો, મીમીક્રી જેવા અનેક કાર્યક્રમો ૩ કલાક યોજાયા હતા. સંસ્થાના વડીલો મન મુકીને યુવાનોને શરમાવે તેવા જોમ અને ઉત્સાહથી નાચી ઉઠ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં નગરજનો, વડીલોને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા હાજર રહ્યાં હતા. આ સંસ્થામાં વસતા બિમાર અને પથારી વશ વડીલ પણ પોતાના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈ પોતાના જીવનને ધન્ય ગણ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો.વિજય કંડોલીયા, ઉપપ્રમુખ અમી મહેતા, બીપીનભાઈ ઝાલા, પિયુષ સિંધવડ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleપરમાર્થ સંસ્થાના યુવાનોનું સરાહનિય કાર્ય
Next articleબોટાદના નવહથ્થા હનુમાનજી મંદિરે સામાજીક સમરસતા યજ્ઞ