‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ના મૂળ માલિકી વિવાદ અંગે કોમર્શિયલ કોર્ટે સુનાવણી કરતા ગીત પરનો સ્ટે એક દિવસ સુધી લંબાવી દીધો છે. બીજી તરફ કિંજલ દવે તરફથી સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. બુધવારે આ મામલે હાઇકોર્ટમાં વધારે સુનાવણી હાથ કરવામાં આવશે. ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતના કોપિરાઇટ મામલે ઓસ્ટ્રેલિયાના યુવક કરફથી કોર્ટમાં કોપિરાઇટનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે ગાયિકા કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાની મનાઇ ફરમાવી દીધી હતી. સાથે જ કોર્ટે આ ગીતને યુ-ટ્યુબ પરથી ઉતારી લેવાનો પણ આદેશ કર્યો હતો.
આ મામલે આજે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ગીત બાબતે કિંજલ દવે, ગીતના લેખક મનુ રબારી અને સરસ્વતી સ્ટુડિયો તરફથી વકીલ મારફતે કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના યુવક કાર્તિક પટેલે ચાર ચાર બંગડી વાળું ગીતની તેના મૂળ ગીત પરથી નકલ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બંધ કરી દીધું હતું, એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી. જોકે, કિંજલ દવેએ દાવો કર્યો હતો કે આ ગીત તેના તરફથી નહીં પરંતુ સ્ટુડિયોની યુ-ટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો.
તેના એક મહિના પછી ગીતમાં થોડા જ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.