કોઇ તહેવાર વગર જ પાટનગરના માર્ગો પર તારીખ ૧૪મીએ રાસ ગરબા સહિતના ગુજરાતની સંસ્કૃત્તિને ઉજાગર કરતાં સાંસ્કૃત્તિક કાર્યક્રમોની રમઝટ મચવાની છે. તેમાં શાળાઓના બાળકો, યુવાનો અને સંસ્થાઓને જોડવામાં આવશે. આ કાર્યક્રમો જાપાનના વડાપ્રધાન શીંજો આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગર આગમન સમયે લાઇવ યોજાવાના છે. જાપાનના વડાપ્રધાન દેશની રાજધાની દિલ્હી નહીં અને આર્થિક રાજધાની મુંબઇ જવાના નથી. ત્યારે તેમનું શાહી સ્વગત પણ ગુજરાતમાં જ કરાશે.
તારીખ ૧૪મી સપ્ટેમ્બરે મહાત્મા મંદિર પર બન્ને મહાનુભાવો આવશે અને અહીંથી જ માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ઉભા કરાયેલા મારૂતિ સુઝુકીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જાપાનના વડાપ્રધાન ગુજરાતમાં ચાલુ થનારા જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન પણ મહાત્મા મંદિર પરથી જ ઓનલાઇન કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર પર જાપાનની કંપનીઓ અને ઉદ્યોગકારો સાથે વિવિધ ક્ષેત્રે મુડીરોકાણ કરવા માટેના સમજુતી કરાર પણ આ બન્ને મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે.
જિલ્લા વહિવટી તંત્રના સુત્રોએ જણાવ્યું કે મુખ્ય માર્ગ પરના વિવિધ સર્કલ પર ૧૦ જગ્યાએ સ્ટેજ ઉભા કરવામાં આવશે અને ત્યાં દરેક સ્થળે ગુજરાતની સંસ્કૃતિની ઝલક દેખાડતા કાર્યક્રમો પરફોર્મ કરવામાં આવશે.
આ નજારો જાપાનના વડાપ્રધાન જોશે અને માણશે. તેના માટે ક્યા સ્થળોની પસંદગી કરવામાં આવી છે, તે વાતે તંત્ર હાલમાં સુરક્ષાના કારણોને લઇને ગુપ્તતા જાળવી રહ્યું છે.ગાંધીનગરમાં પ્રવેશથી મહાત્મા મંદિર સુધીના માર્ગ પર રમઝટ બોલશે અને તેમાં બાળકો, યુવાનો રાસ અને ગરબા સહિતની ઝલક રજુ કરશે. તેના માટે વ્યવસાયિક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે અને કલા સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. મહાત્મા મંદિર પર પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે ત્યારે મોટા ભાગે ગાંધીનગરમાં રાજભવન પર રાતવાસો કરતા હોય છે.
Home Gujarat Gandhinagar ગાંધીનગરના માર્ગો પર ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જાપાનના પીએમનું સ્વાગત