નેપિયરના મેદાન ઉપર આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ભારતે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ૮૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૧૫૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બે વિકેટે ૧૫૬ રન કરીને આ મેચ જીતી ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં કેપ્ટન વિલિયમસને ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બાકીના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. શ્રીલંકા સામેની શ્રેણીમાં ધરખમ ફોર્મમાં રહેલા ટેલરે માત્ર ૨૪ રન કર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૩૯ રન આપીને ચાર વિકેટ અને મોહમ્મદ સામીએ ૧૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૫૬ રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. શિખર ધવન ૭૫ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે કેપ્ટન કોહલી ૪૫ રન કરીને આઉટ થયો હતો.