ગુજરાત સરકારની વિકાસ ગતિ ધીમી હોવાથી વડાપ્રધાન કાર્યાલય એટલે કે, પીએમઓ ખફા છે. રાજ્યમાં મેટ્રોનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને ગાંધીનગર રેલવેસ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું બાંધકામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી.
પીએમઓ એ ગયા વર્ષે ગુજરાતને સૂચના આપી હતી કે, વાયબ્રન્ટ સમિટ પહેલા હોટલનું કામ પૂર્ણ થવું જોઇએ પરંતુ હોટલનું કામ અધૂરું રહ્યું છે. સરકારે એવો ખૂલાસો કર્યો હતો કે હોટલનું કામ કરતી કંપનીએ આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે શક્ય ન હતું. સરકારે કંપનીનો રિપોર્ટ પીએમઓ ના અધિકારીને બતાવ્યો હતો.
ગાંધીનગરમાં ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ બનાવવાની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે તેનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂરું કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં સરકારે દાવો કર્યો હતો કે, આ હોટલનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને વાયબ્રન્ટના મહેમાનો તેમજ ડિપ્લોમેટ્સને તેમાં ઉતારો આપવામાં આવશે. જોકે હોટલનું કામ બાકી હોવાથી તેનું ઉદઘાટન થઇ શક્યું નથી.
વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદી સાથે પીએમઓ ના અધિકારીઓ આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રોજેક્ટના કામનો હિસાબ માગી ગુજરાત સરકાર સામે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યુ હતું કે, ત્રણ ટાવરનું બાંધકામ હજી પૂર્ણ થઇ શક્યું નથી. રેલવે ટ્રેક પર હોટલનું નિર્માણ થતું હોવાથી તેમાં સમય લાગી રહ્યો છે. જોકે મંત્રાલયની એજન્સીએ કહ્યું હતું કે, આ હોટલનું કામ ઓક્ટોબર ૨૦૧૯માં પૂર્ણ થઇ જશે. આમ છતા પીએમઓ એ ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી. અધિકારીઓએ ધીમા કામ માટે રેલવે મંત્રાલયની કંપની અને ગુજરાત સરકાર બંનેને તાકીદ કરી હતી.