પાસના કન્વીનર હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશતો અટકાવવા માટેની જામીનની શરત રદ કરવા થયેલી રિટમાં સરકારે આવી મંજૂરી આપવા સામે વિરોધ નોંધાવ્યો છે. હાર્દિક તરફે પોતાની કુળદેવીનાં દર્શન કરવા પણ જઇ શક્યો ન હોવાથી તેને મંજૂરી આપવી જોઇએ તેવી રજૂઆત કરાઇ છે.
સરકાર તરફે હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે એવી રજૂઆત કરી હતી કે, આરોપી સામે ૧૭ જેટલી ફરિયાદો નોંધાયેલી છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદ ખાતે તેણે યોજેલી સભા બાદ રાજ્યભરમાં કુલ ૫૩૭ જેટલા તોફાની બનાવો નોંધાયા હતા. જેમાં ૭૯ બનાવો મહેસાણા જિલ્લામાં બન્યા છે. આરોપીને જો મહેસાણામાં પ્રવેશવા દેવાની મંજૂરી આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે તેમ છે.