મતદાનનો દિવસ નજીક છતાં નવા મતદારોને ચૂંટણી કાર્ડ મળ્યાં નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આગામી ૧૪ ડિસેમ્બરે યોજાનાર છે.જેમાં ગાંધીનગર જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચૂંટણી માટે મતદારો મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ભાવિ સરકારનું ગઠન કરશે.પરંતુ ચૂંટણીને આડે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ઘણા નવા મતદારોને ચૂંટણીકાર્ડ જ મળ્યાં ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગાંધીનગર જિલ્લામાં નવા ચૂંટણીકાર્ડ માટે મોટી સંખ્યામાં નવા અરજદારો નોંધાયા હતા. અંદાજિત ૩૬ હજારથી વધુ નવા મતદારો ચૂંટણી તંત્ર સમક્ષ નોંધાઈ ચુકયા હોવા છતાં ચૂંટણીકાર્ડ મળ્યાં ન હોવાની ઘટનાઓ સામે આવી છે.ચૂંટણી તંત્ર દ્વારા તમામ બીએલઓને મતદાર સ્લીપ અને નવા વોટર આઈડી કાર્ડ આપી દેવામાં આવ્યા છે. તબક્કાવાર અલગ અલગ વિસ્તારોમાં તેની વહેંચણી પણ શરૃ કરી દેવામાં આવી છે ત્યારે તંત્રએ એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે આવતીકાલ સુધીમાં તમામ મતદારોને તેમના નવા ચૂંટણીકાર્ડ મળી જશે. ચુંટણીમાં મતદાર કાર્ડ સિવાય અન્ય આધારભુત કાર્ડ બતાવીને પણ મતદાન થઈ શકશે જેથી ચૂંટણી કાર્ડ નહીં હોય તેવા મતદારો પણ મતદાન ચોકકસ કરી શકશે.