ન્યુઝીલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ મેચ હારી, સીરીઝ જીત્યુ

757

ભારત સામેની હેમિલ્ટન ખાતેની ત્રીજી વનડે કિવિઝે ૮ વિકેટે જીતી, જોકે ૩ મેચની સિરીઝ ન્યુઝીલેન્ડ ૨-૧થી હારી ગયું હતું. ૧૫૦ રનનો ટાર્ગેટ ચેઝ કરતા કિવિઝે ૨૯.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી મેચ જીતી હતી. તેમના માટે એમી સેઠરવાઇટે ૬૬ રન અને સૂઝી બેટ્‌સે ૫૭ રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. ભારત માટે પૂનમ યાદવે એક વિકેટ લીધી હતી, જયારે એક વિકેટ ઝુલન ગોસ્વામીના હાથે રનઆઉટ રૂપે આવી હતી. મેચમાં ૨૮ રન આપી ૪ વિકેટ લેનાર એનના પેટર્સન પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી, જયારે આ સિરીઝની ૩ મેચમાં ૯૮ની એવરેજથી ૧૯૬ રન કરનાર સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાઈ હતી. આ મેચમાં મિતાલી રાજ ૨૦૦ વનડે રમનાર પ્રથમ મહિલા ક્રિકેટ બની હતી. કિવિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતને ૧૪૯માં ઓલઆઉટ કર્યું હતું. ભારત  માટે દીપ્તિ શર્માએ સૌથી વધુ ૫૨ રન કર્યા હતા, જયારે હરમનપ્રિતકોરે ૨૩ રન કર્યા હતા. તેમના સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન ૧૫ રનના આંકે પહોંચી શક્યું ન હતું. મિતાલી રાજ પોતાની ૨૦૦મી વનડેમાં ૯ રને આઉટ થઇ હતી. કિવિઝ માટે એનના પેટેર્સને ૪ વિકેટ અને લિએ ટહુહુએ ૩ વિકેટ લીધી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીના ઇતિહાસમાં ૨૬૩ વનડે રમી છે, રાજે તેમાંથી ૨૦૦ વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ૨૫ જૂન, ૧૯૯૯ ના રોજ ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત ૨૧૩ મેચ રમ્યું છે. છેલ્લા ૧૯ વર્ષ અને ૨૧૯ દિવસમાં મિતાલીએ ફક્ત ૧૩ મેચમાં ભાગ નથી લીધો. તેની ૧૯ વર્ષની ઇન્ટરનેશનલ કરિયર મહિલા ખેલાડીઓમાં સૌથી લાબી છે, જયારે પુરુષ સાથે સરખામણી કરીએ તો તે ચોથા નંબરે આવે છે. સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને જાવેદ મિયાંદાદ જ તેનાથી લાંબો સમય ક્રિકેટ રમ્યા છે.

Previous articleકોહલીની કેપ્ટનશિપમાં ટીમ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર : દ્રવિડ
Next articleબજેટ ૨૦૧૯માં દેશના રમતવીરો માટે સારા સમાચાર, રૂ.૨૧૮૧.૯૦ કરોડની જોગવાઇ